રીબડા જુથ vs ગોંડલ જુથ : અનિરુદ્ધસિંહના નજીકના સાથી સહદેવસિંહ જાડેજાએ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કર્યું

ટિકિટની વહેંચણીને લઇને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે રીબડા જુથના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના સાથીઓએ બાંયો ચડાવી હતી. જો કે વિજય બાદ ભ્રુણાવા ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન તેમજ અનિરુદ્ધસિંહના નજીકના સાથી સહદેવસિંહ જાડેજાએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધુ છે.

રીબડા જુથ vs ગોંડલ જુથ : અનિરુદ્ધસિંહના નજીકના સાથી સહદેવસિંહ જાડેજાએ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કર્યું
ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં થયુ સમાધાન
| Edited By: | Updated on: Dec 14, 2022 | 2:16 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ સીટ પર બે બળિયા જુથ આમને સામને આવી ગયા હતા. ટિકિટની વહેંચણીને લઇને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે રીબડા જુથના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના સાથીઓએ બાંયો ચડાવી હતી. જો કે ચૂંટણી પૂરી થઇ અને જયરાજસિંહ જાડેજાના પત્નિ ગીતાબા જાડેજાનો વિજય થયો. જો કે વિજય બાદ ભ્રુણાવા ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન તેમજ અનિરુદ્ધસિંહના નજીકના સાથી સહદેવસિંહ જાડેજાએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધુ છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં ગોંડલ જયરાજસિંહના બંગલામાં આ સમાધાન થયેલુ છે.

પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી,મનદુ:ખ દૂર થયા-સહદેવસિંહ

આ અંગે સહદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભ્રુણાવા ગામમાં ભાજપને લીડ મળી હતી.પોતાના દ્વારા કે તેમના સમર્થકો દ્વારા કોઇ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી નથી. જેના કારણે આગેવાનોને સાથે રાખીને જૂના મનદુ:ખ દૂર કરવામાં આવ્યા છે અને સમાધાન કરેલુ છે.

‘જયરાજસિંહે મોટું મન રાખીને સમાધાન કર્યું’

આ અંગે જયરાજસિંહ જાડેજા જુથના આગેવાનોએ કહ્યું હતું કે, ભ્રુણાવા ગામના આગેવાનોની મધ્યસ્થીથી આ સમાધાન થયું છે.જયરાજસિંહ જાડેજાએ મોટું મન રાખીને સમાધાન કરેલુ છે..

ભ્રુણાવા ગામમાં જયરાજસિંહે કર્યુ હતું તેજાબી ભાષણ

સહદેવસિંહ જાડેજાનું મૂળ ગામ ભ્રુણાવા છે.આ ગામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સભા સંબોધી હતી.જેમાં જયરાજસિંહે સહદેવસિંહને આડે હાથ લીધા હતા.જયરાજસિંહે કહ્યું હતું કે જેને અમે રાજકારણમાં મોટા કર્યા તેઓ અમારી સામે પડ્યા છે.ભ્રુણાવા ગામના ક્ષત્રિય સમાજના વડીલોએ સહદેવસિંહને ઠપકો આપવો જોઇએ.

જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે જુથવાદ યથાવત

ગોંડલ વિધાનસભા સીટ પર ઉમેદવારીને લઇને જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે જુથવાદ શરૂ થયો હતો.બંન્નેએ પોત પોતાના ઉમેદવાર માટે ટિકિટની માગ કરી હતી.જો કે ભાજપે જયરાજસિંહના પત્નિ અને ધારાસભ્ય ગીતાબા જાડેજાને રિપીટ કર્યા હતા.આ ટિકિટ જાહેર થયા બાદ અનિરુદ્ઘસિંહે ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું જો કે અંતે આ સીટ પર ભાજપનો વિજય થયો હતો.અનિરુદ્ધસિંહના નજીકના ગણાતા સહદેવસિંહે જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું છે પરંતુ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચનો ગજગ્રાહ હજુ પણ યથાવત છે.

Published On - 2:14 pm, Wed, 14 December 22

Follow Us