સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યાં!

|

Oct 17, 2021 | 2:11 PM

હાલ જુનિયર એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય કાર્યરત છે.તેમને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેતા હવે તેમની પાસે જુદા-જુદા 3 હોદ્દા આવી ગયા છે.

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીએ જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નિદત બારોટે કુલપતિને ફરિયાદ કરીને આ નિમણૂક રદ કરવાની માગણી કરી છે.સાથે જ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા રજૂઆત કરી છે.

હાલ જુનિયર એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય કાર્યરત છે.તેમને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેતા હવે તેમની પાસે જુદા-જુદા 3 હોદ્દા આવી ગયા છે.જુનિયર એન્જિનિયર તરીકે તેઓ મેજરમેન્ટ બુકની ચકાસણી કરશે અને બાંધકામનું બિલ મંજૂર કરવા નોંધ કરશે.. ડેપ્યુટી એન્જિનિયર તરીકે તેઓ પોતે મૂકેલી નોંધને મંજૂર કરશે અને બાંધકામ નિષ્ણાત તરીકે તેઓ પોતે મૂકેલી તેમજ મંજૂર કરેલી નોંધ મંજૂર કરાવશે.ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા માટેનો આદેશ પણ પોતે જ કરશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 16 ઓક્ટોબરે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે વિવાદ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપનો મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો અને આ મુદ્દે ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હસ્તક્ષેપ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો.

Next Video