
છોટા ઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાના અભાવને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. તાજેતરમાં ભુંડમારિયા ગામમાં બનેલી ઘટના આ વાતનો પુરાવો આપે છે. એક સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા થતાં, તેમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી. પરંતુ કાચા અને પથરાળ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં.
એમ્બ્યુલન્સ ગામથી 3 કિલોમીટર દૂર પાકા રસ્તા સુધી જ પહોંચી શકી. આ પરિસ્થિતિમાં પરિવારજનોએ મહિલાને જોડીમાં ઉંચકીને કોતરોના પાણી અને કાદવ-કિચડમાંથી પસાર કરીને 108 સુધી લઈ જવાની ફરજ પડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના ચર્ચા સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાના અભાવ અને તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Pregnant woman carried in a sling due to lack of roads in #ChhotaUdepur#Gujarat #TV9Gujarati pic.twitter.com/aIkXfR3JJU
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2025
આ પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં સગર્ભા મહિલાઓને જોડીમાં ઉંચકીને લઈ જવી પડી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકો લાંબા સમયથી રોડ-રસ્તાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આ ઘટના ફરી એક વખત તંત્રની નિષ્ક્રિયતા અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને ઉજાગર કરે છે. આ સમસ્યાના ટકાઉ ઉકેલ માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. નહીંતર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે.
આ અગાઉ 1 ઓક્ટોબરે અને 8 ઓક્ટોબરે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી શક્તા પ્રસુતાને ઝોળીમાં નાખીને લઈ જવી પડી હતી. માંડ આવેલી એમ્બ્યુલન્સને પણ ગામલોકોએ ધક્કા મારવાની ફરજ પડી હતી. જો કે એમ્બ્યુલન્સ ગામ સુધી તો પહોંચી જ ન હતી.
Published On - 1:17 pm, Sun, 13 July 25