
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 20 મહિનાનો સમય છે, ત્યારે ભાજપે રાજ્યમાં સંગઠનની નવી ટીમનું એલાન કર્યુ છે. નવા પ્રદેશ અધ્યક્ષ, મોરચા પ્રમુખોની સાથે તેમની ટીમોની ઘોષણા પણ કરી દેવાઈ છે. સોમવારે ભાજપે જિલ્લા અને શહેરોના સંગઠન પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે. ગુજરાત બીજેપીની નવી ટીમમાં પ્રશાંત કોરાટ (PK) સૌથી પાવરફુલ મહામંત્રી બનીને સામે આવ્યા છે. સંગઠનમાં તેમનુ શું મહત્વ છે તે વાતનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ તેમને પ્રદેશ કાર્યાલયના મહામંત્રી હેડક્વાર્ટરના દાયિત્વની સાથે અત્યંત મહત્વપૂર્ણ દક્ષિણ ગુજરાતના પ્રભારી પણ બનાવ્યા છે, સાથોસાથ સુરત શહેર પ્રભારી પણ નિયુક્ત કર્યા છે.
ભાજપની નવી ટીમમાં પ્રશાંત કોરાટનું કદ વધ્યુ છે. તેઓ ભાજપ અને પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા ના પીકે ગણાય છે. પહેલા આ ભૂમિકામાં પ્રદિપસિંહ વાઘેલા હતા. પ્રશાંત કોરાટ જુની સંગઠનની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ હતા. કોરાટ સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાથી આવે છે. ભાજપમાં કોરાટની છબી એક મહેનતી યુવા નેતાની છે. શરૂઆતમાં બે ટર્મ સુધી તેઓ રાજકોટ યુવા મોરચાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
પ્રશાંત કોરાટને રાજનીતિ વારસામાં મળી છે. તેમના પિતા સવજીભાઈ કોરાટ ભાજપના મોટા નેતા હતા. તેઓ જેતપુરથી ધારાસભ્ય અને મંત્રી પણ રહ્યા છે. પ્રશાંત કોરાટ 12 માં ધોરણમાં હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયુ. એ સમયે પ્રશાંતના માતા જશુબેન કોરાટ જેતપુરથી પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2002 અને 2007 માં પણ ધારાસભ્ય બન્યા. વર્ષ 2012માં આ બેઠકથી જયેશ રાદડિયા કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા. ત્યારબાદ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા ભાજપમાં જોડાઈ ગયા. 2013માં જયેશ રાદડિયા ભાજપમાંથી જેતપુર ધોરાજી બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યાં સુધીમાં તો પ્રશાંત કોરાટ ABVPમાં ઘણા સક્રિય બની ગયા હતા.
વર્ષ 2017માં ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયેશ રાદડિયાને ટિકિટ આપી તો પ્રશાંત કોરાટ પાર્ટીના નિર્ણય અનુસાર પ્રચાર કર્યો. 38 વર્ષના પ્રશાંત કોરાટે રાજકારણની બારીકીઓને સારી રીતે શીખી લીધી છે. આજ કારણ છે કે તેઓ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્માના વિશ્વાસુ બનીને ઉભર્યા છે. પોતાની કૂલ છબી માટે જાણીતા કોરાટ ખુદને ચમકાવવાને બદલે સંગઠનના કામને મહત્વ આપે છે. યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેઓ તમામ જિલ્લાના કાર્યકરો સાથે સીધા કનેક્ટેડ છે. આ જ કારણે સાફ છબી ધરાવતા કોરાટને દક્ષિણ ગુજરાતની સાથે સુરત શહેરની પણ જવાબદારી સોંપાઈ છે. ત્યારે હવે પ્રશાંત કોરાટની પ્રથમ કસોટી આવનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ હશે. આ ચૂંટણીઓ વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઈનલ મનાઈ રહી છે.
Published On - 3:58 pm, Tue, 3 March 26