પોરબંદર (Porbandar) ના માધવપુર (Madhavpur) ખાતે ચૈત્ર મહિનાની સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ (Krishna) અને રુક્મિણીનો વિવાહ (Marriage) પ્રસંગનો મેળો (Fair) યોજાય છે. જે આ વર્ષે 10 થી 13 એપ્રિલ દરમ્યાન યોજાનાર છે. વિવિધ રાજ્યોના સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આયોજનની જાણકારી પણ કલેક્ટર દ્વારા સંપ્રદાયના ભક્તો- વૈષ્ણાચાર્યોને આપવામાં આવી હતી. મેળામાં ગુજરાતના મુખ્યમંત્રીની સાથે ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના હોવાની સાથોસાથ શહેરીજનોને અને ખાસ કરીને યુવાનોને પણ આ મેળામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા પરિવહન માટે વધારાની એસ.ટી. વિભાગની બસો પણ ગોઠવવામાં આવશે.
પોરબંદરના માધવપુરમાં 10 એપ્રિલના રોજ મેળો યોજાવા જઇ રહેલા મેળાને હવા માત્ર ચાર દિવસ બાકી છે જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. માધવપુરના આ મેળામાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મેળાના ઉદ્ઘાટનમાં ખુદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ગુજરાત, મેઘાલય, મણિપુર, સિક્કિમના કલાકારો આ મેળામાં પોતાની આગવી કલા રજૂ કરશે. અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરાના કલાકારો પણ આ મેળામાં સામેલ થશે.
પોરબંદર જિલ્લામાં દરિયા કિનારે માધવપુર ગામ આવેલું છે જ્યાં આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ રુક્મિણીનું અપહરણ કરી અહીં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે. મેળામાં દર વર્ષે ભગવાન કૃષ્ણની રંગેચેંગે જાન જોડવામાં આવે છે. અને શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.
માધવપુરમાં ભગવાન માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે, આ ભગ્નમંદિર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદિર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદિર બેઠુ છે. મંદીરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદિરના ભગ્નાવશેષો પણ મળીઆવેલા છે. માધવરાયજીનાં આ મંદિરને ૧૬ થાંભલા છે. ૧૬ થાંભલાયુકત મંડપ “સિંહમંડપ” તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે. માધવરાયજીનું આ જૂનુ મંદિર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે.
નવું મંદિર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદિરમાં જૂના મંદિરની જ પ્રતિમા પધરાવવામાં આવેલ છે. કહેવાય છે કે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદિર પર ભગવાન કૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. હાલ આ મંદિરનો વહીવટ શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ સંભાળે છે. દર વર્ષે ભરાતા મેળા અને રુક્મિણી વિવાહનુ આયોજન પણ ટ્રસ્ટ જ કરે છે.
‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં ભરાય છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયાં હતાં. આ વિવાહ માધવપુરમાં સંપન્ન થયાં હતાં અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે.
આ પણ વાંચોઃDahod: આદિવાસી સંમેલનમાં મોદી આવવાના હોવાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી
આ પણ વા્ંચોઃ Amreli: નિર્લિપ્ત રાયનો ભવ્ય વિદાય સમારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 1:29 pm, Wed, 6 April 22