શું ગરમ લોખંડના સળીયાના ડામ આપવાથી કફ કે ઉધરસનો ઇલાજ થઇ શકે ? આ સવાલ આપને ચોક્કસ વિચિત્ર લાગશે પરંતુ આ વિચિત્ર સવાલ પાછળ છૂપાયેલી છે એક નરી વાસ્તવિકતા. અને આ વાસ્તવિકતા સભ્ય સમાજને શરમમાં મુકે છે. આવી જ એક ઘટના પોરબંદરના બખરલા ગામમાં સામે આવી છે. જ્યાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો એવો તો ખેલ ખેલાયો કે 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી છે.
આ પણ વાંચો : Gujarati Video : પોરબંદરના માછીમારોની પાકિસ્તાન કબજામાં રહેલી 1200 બોટ અને 550 માછીમારોને મુક્ત કરાવવા માંગ
પોરબંદરના બખરલા ગામે 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા થઈ હતી. ત્યારે તેના પરિવારે દેશી ઉપચાર કર્યા પણ બાળકી સાજી ન થતાં તેમને ભૂવાની મદદ લીધી હતી. તંત્ર-મંત્રના જાણકાર ભૂવાએ સારવારના નામે બાળકી પર અત્યાચાર ગૂજાર્યો હતો અને ગરમ લોખંડના સળીયાથી તેના શરીર પર ડામ આપ્યા હતા. બાળકી ચીસો પાડતી રહી પરંતુ ન તો ભૂવાને ભાન થયું કે ન તો પરિવારને દયા આવી. ભૂવાએ ડામ આપ્યા બાદ પણ બાળકી સાજી ન થતાં આખરે પરિજનો બાળકીને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં તબીબોની પ્રાથમિક સારવારમાં બાળકીને ડામ અપાયા હોવાનો ખુલાસો કર્યો હતો.
Superstition leads to physical torture on 2-month-old baby in #Porbandar #Gujarat #TV9News pic.twitter.com/OCHk5Rkfqi
— Tv9 Gujarati (@tv9gujarati) February 12, 2023
તે સમયે બાળકીની સ્થિતિ એટલી નાજૂક હતી કે તેને ICUમાં રાખવાની ફરજ પડી, મળતી માહિતી અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણો સભ્ય સમાજ અંધશ્રદ્ધાની આગમાં સળગતો રહેશે ? ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે બાળકો પર અત્યાચાર થતો રહેશે ? બાળકીના ઇલાજ માટે તબીબોના બદલે કેમ ભૂવાની મદદ લેવાઇ ?
Published On - 12:18 pm, Sun, 12 February 23