છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તો સાથે જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ગઇકાલે 20થી વધુ તાલુકામાં અડધાથી લઇને એક ઇંચ સુધીનો કમોસમી વરસાદ વરસ્યો છે. પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના વડગામમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક વરસાદ થવાના કારણે લગ્ન પ્રસંગોમાં ભંગ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા, સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ગત રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના વડગામમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં 16 mm, અમીરગઢમાં 15 mm વરસાદ નોંધાયો છે. અંબાજી, અમદાવાદ, મહેમદાવાદમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.
More than 20 taluka of the state witnessed #unseasonalrain in last 24 hours#Gujarat #TV9News pic.twitter.com/5mADwZ7wam
— Tv9 Gujarati (@tv9gujarati) January 30, 2023
આજે વહેલી સવારથી ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો છે. દહેગામમાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. લવાડ અને કરજોદરા ગામે કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ફરી ચિંતામાં આવી ગયો છે. થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેધમાં વરસાદી માહોલ છવાયો હતો.
વાતાવરણમાં પલટા સાથે રાજ્યના કેટલાંક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, ધોળકા, કલોલ સહિતના શહેરોમાં ધુમ્મસીયો માહોલ જોવા મળ્યો. આ તમામ શહેરોમાં વિઝિબિલિટી જીરો જોવા મળી. તો ભારે ધુમ્મસને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મહત્વપૂર્ણ છે કે ધુમ્મસને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની સાથે,,ખેતીને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.
Published On - 12:38 pm, Mon, 30 January 23