ગુજરાતના વિવિધ સમાજમાં જાગૃતિ સાથે નવી પહેલ, હવે આ સમાજે કુરિવાજ, પ્રસંગોની મોંઘી ઉજવણી નાબૂદ કરવા કર્યો હુંકાર

ગુજરાતમાં વધી રહેલા દેખાવખર્ચી ટ્રેન્ડને રોકવા માટે હવે અનેક સમાજો જાગૃત થઈ પોતાના બંધારણો બનાવી રહ્યા છે. પાટણ જિલ્લાના ગજ્જર સુથાર સમાજે પણ કાંકરેજી પરગણામાં ખાસ બેઠક કરીને કેટલાક નિયમો બનાવ્યા છે.

ગુજરાતના વિવિધ સમાજમાં જાગૃતિ સાથે નવી પહેલ, હવે આ સમાજે કુરિવાજ, પ્રસંગોની મોંઘી ઉજવણી નાબૂદ કરવા કર્યો હુંકાર
| Updated on: Nov 19, 2025 | 10:12 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં વિવિધ પ્રસંગોમાં લોકો દેખાવ માટે એકબીજાથી વધુ ખર્ચાળ અને આડંબરી ઉજવણીઓ કરે છે. આ પ્રવૃત્તિ વ્યક્તિગત અને સામાજિક સ્તરે આર્થિક નુકસાનકારક સાબિત થતી હોવાને કારણે અનેક સમાજોમાં હવે જાગૃતિ ફેલાઈ રહી છે. વિવિધ સમાજો પોતાના સ્તરે બંધારણ બનાવી અનાવશ્યક ખર્ચા અને કુરિવાજોને બંધ કરવાની દિશામાં મીટીંગ્સનું આયોજન કરી રહ્યા છે.

એ જ જાગૃતિ અંતર્ગત પાટણ જિલ્લાના ગજ્જર સુથાર સમાજે પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગજ્જર સુથાર સમાજ – કાંકરેજી પરગણાના આગેવાનો, વડીલો અને યુવાનો તારીખ 9-11-2025, રવિવારે થરા ગામના જલારામ મંદિરે મળ્યા હતા. આ બેઠકમાં સમાજના સગાઈથી લઈને મરણ સુધીના તમામ પ્રસંગોને સરળ બનાવતા અને અતિરિક્ત આડંબર દૂર કરતા સામાજિક રિવાજોનું નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું.

સમાજના આર્થિક હિત અને કુરિવાજોના અંત માટે અનેક મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા. તેમાં ડીજે-વરઘોડો, ફટાકડા, મોટા જમણવાર જેવી પ્રથાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો. સગાઈ અને લગ્ન પ્રસંગે મામેરું બે લાખ તથા મોસાળું 51 હજાર સુધી મર્યાદિત રાખવાનું નક્કી થયું. લગ્ન અને મરણ પ્રસંગે બીડી, સિગરેટ, નશીલા પદાર્થો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રાખવા પર સહમતી થઈ.

તે સિવાય ઓઢામણા પ્રથા, હલ્દી-રસમનું આડંબર, વેલકમ ડેકોરેશન, કેક-કટિંગ, પ્રિ-વિડિંગ વિડિયો જેવી આડંબરયુક્ત રીતિઓને પણ બંધ કરવા ઠરાવ પસાર થયો. વિડિયો અને ફોટામાં ખોટા ખર્ચાને રોકવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી. મરણ પ્રસંગે ચાલતી બપોરો, ઘડા, પોણો મહિનો જેવી લાંબી વિધિઓને ઘટાડીને માત્ર પાંચ દિવસમાં પૂર્ણ કરવાની રીત અમલમાં લાવવા નિર્ધારણ કરવામાં આવ્યું.
મંડપ સરળ રાખવો, દાગીના માત્ર ત્રણ તોલા સોનું અને એક પાયલ સુધી મર્યાદિત રાખવા જેવા નિયમો પણ નક્કી કરાયા.

આ તમામ સુધારાઓનો હેતુ સમાજમાં આર્થિક બચત, અનાવશ્યક દેખાવનો અંત, અને ખાસ કરીને શૈક્ષણિક જાગૃતિ લાવવાનો છે. સગાઈથી લઈને મરણ સુધીના પ્રસંગોને સરળ અને સંયમિત બનાવવાથી સમાજની કોમનની આર્થિક પ્રગતિ માટે મદદ મળશે, એમ આગેવાનોનો મત રહ્યો.

આ નવા બંધારણને લઈને જયરામદાસ બાપુ, કટાવધામ – મહા મંડલેશ્વર 1008 એ જણાવ્યું કે સુથાર સમાજમાંથી કુરિવાજો દૂર થાય, અનાઉચિત ખર્ચો બંધ થાય અને સમાજ આર્થિક તથા શૈક્ષણિક રીતે આગળ વધે તે ખૂબ જ આવશ્યક છે.

Published On - 10:11 pm, Wed, 19 November 25