PATAN : GEM પોર્ટલ થકી ખરીદીનું મોટું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ, ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને લખ્યો પત્ર

|

Jun 29, 2021 | 7:00 PM

PATAN : રાજ્ય સરકારના GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટિંગ પ્લેસ પોર્ટલ પર ખરીદીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે.

PATAN : રાજ્ય સરકારના GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટિંગ પ્લેસ પોર્ટલ પર ખરીદીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના કૉંગ્રેસે આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને પત્ર લખીને આ બાબતે તપાસ કરવાની માંગ કરી છે.

કિરીટ પટેલે માંગ કરી છે કે સમગ્ર મામલે એસીબી કે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવી જોઈએ. કિરીટ પટેલે કહ્યું કે રાજ્ય સરકારે ધારાસભ્યો સાંસદ સભ્યોને મળતી ગ્રાન્ટ કે સરકારી ખરીદી માટે ગવર્મેન્ટ ઈ માર્કેટિંગ પ્લેસ નામની એક વેબસાઈટ બનાવી છે. સરકારે એક પરિપત્ર કર્યો છે કે કોઈપણ ખરીદી કરવી હોય તો GEM મારફતે કરવી.

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે આયોજન પૂર્વકનું કાવતરું કરાઈ રહ્યું છે. પોર્ટલ પર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાતું હોય તેવા પરિણામો જોવા મળ્યા છે.

તેમણે પોતાનો અનુભવ વાગોળતા કહ્યું કે પાટણની જનતા હોસ્પિટલ ખાતે બાયપેપ, મોનિટર અને એમ્બ્યુલન્સ માટે તેમણે ગ્રાન્ટ આપી હતી. જેમાં જનતા હોસ્પિટલે ફિલિપ્સના મોનિટરનું કંપની પાસેથી ક્વોટેશન મગાવતા 84 હજાર ભાવ હતો. જ્યારે તેજ મોનિટરનો GEM પોર્ટલ પર 1 લાખ 80 હજાર ભાવ હતો. આ રીતે તમામ ચીજવસ્તુઓના ભાવ 2થી 3 ગણા હોવાનો કિરીટ પટેલનો દાવો છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાતો કરવાવાળા આ મુદ્દે તપાસ કરે. તથા, ભૂતકાળમાં આવી કેટલી ખરીદી થઇ તેની પણ સરકાર તપાસ કરાવે. હાલ તો કોંગ્રેસ ધારાસભ્યના આ આક્ષેપોને કારણે પાટણનું રાજકારણ ગરમાયું છે.

 

 

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં IAS બાદ GAS અધિકારીઓની ફેરબદલ, એક સાથે 79 અધિકારીઓની બદલી કરવામાં આવી

આ પણ વાંચો : JAMNAGAR : રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ત્રીજો કેસ નોંધાયો, 60 વર્ષીય વૃદ્ધામાં દેખાયા લક્ષણો

Published On - 6:55 pm, Tue, 29 June 21

Next Video