
રાજ્ય અને કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સેવા મફતમાં પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડી છે. સાથે જ કેટલીક ખાનગી હોસ્પિટલોની સારવાર માટે આયુષ્યમાનભારત કાર્ડ જેવી યોજના પણ અમલમાં મુકી છે. પરંતુ સરકારની કેટલીક કહેવાતી મોટી હોસ્પિટલમાં જ રોજીંદી જરૂરિયાતના તબીબો ઉપલબ્ધ નથી. પંચમહાલ જિલ્લાની મુખ્ય અને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક થી સ્ત્રી રોગ નિષ્ણાત, કાનના ગળા અને રેડિયોલોજિસ્ટ તબીબ નહીં હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ના છૂટકે દર્દીઓને નાણા ખર્ચી ખાનગી દવાખાનાનો સહારો લેવો પડી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસથી કાયમી ધોરણે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ, કાનના ગળાના તબીબ તથા લાંબા સમયથી રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ, મહીસાગર સહિત બાજુના રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં આવતા દર્દીઓને હોસ્પિટલમાં તબીબો ઉપસ્થિત નહીં હોવાથી વડોદરા રિફર કરવામાં આવતા હોય છે. જેથી દર્દીઓ વડોદરા જવાનું ટાળી દર્દીઓ ગોધરા ખાતે જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ પોતાની જરૂરિયાત પૂરી કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં કાયમી ધોરણે આ તબીબોની નિમણૂક કરવામાં આવે એવી લોક માગ ઉઠી છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ગોધરાના જનપ્રતિનિધિઓના જણાવ્યા મુજબ અહીં હાલ જે દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, તેઓને એક્સરે સહિતની સુવિધા માટે બહાર જવું પડતું હોય છે. સાથે જ અહીં સિટી સ્કેન માટેની જે સુવિધા હતી, તે મશીન પણ હાલ ધૂળ ખાવાની સ્થિતિમાં હોવાથી દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યા છે. સિટી સ્કેન મશીન ખંડેર હાલતમાં બનતા જે તે સમયે રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારને રજૂઆત કરાઈ હતી.
જોકે તે સમયે તત્કાલીન આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ જે હાલ સુધી માત્ર ઠાલા વચનો સમી જ જોવા મળી રહી છે. જેથી વહેલી તકે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ, કાનના ગળાના તબીબ અને રેડિયોલોજિસ્ટની કાયમી નિમણૂંકની માગણી કરવામાં આવી રહી છે. સાથે જ ગોધરા સીવિલ હોસ્પિટલમાં કાયમી જનરલ સર્જન અને આરએમઓની પણ નિમણૂંક કરવામાં આવે એવી માંગણી હાલ જન પ્રતિનિધિઓના માધ્યમથી જિલ્લાની જનતામાં ઉઠી છે.