કોંગ્રેસના (Congress) ભરતસિંહ સોલંકીને (Bharatsinh Solanki) લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakore) પ્રતિક્રિયા આપી છે. હાલોલના ભાટ ગામે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમમાં હાજર રહેલા જગદીશ ઠાકોરે જણાવ્યું કે ભરતભાઈએ પાર્ટીને બચાવવા માટે આ મોટો નિર્ણય લીધો છે, ભરતભાઈએ રાજકીય સન્યાસ નથી લીધો, માત્ર બ્રેક લીધો છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, તેમને વ્યક્તિગત રીતે ભરતસિંહ સાથે કોઇ ચર્ચા નથી થઇ.
ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષમાંથી થોડા સમય માટે લીધેલી બ્રેક મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ગરીબ સમાજોના સંગઠનમાં કામ કરવાની ભરતસિંહે તૈયારી બતાવી છે. પક્ષને કોઇ નુકસાન ન થાય તે માટે પોતાનો રાજકારણમાં બ્રેક લેવાનો નિર્ણય તેમણે તેમની રીતે લીધો છે.
જગદીશ ઠાકોરે જણાવ્યુ કે તેમને વ્યક્તિગત રીતે ભરતસિંહ સાથે કોઇ ચર્ચા નથી થઇ. પણ તેમને મળીને ચર્ચાઓ કરીશુ. જે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો, કોંગ્રેસના નેતાઓની વિશ્વસનીયતા તોડી અને એક લીડરશીપને ખતમ કરી રહ્યા છે, તે અંગેની વાત ભરતસિંહે જાહેરમાં પ્રેસને કરી છે. જગદીશ ઠાકોરે એમ પણ જણાવ્યુ કે, આ બધા મુદ્દાઓ પર કોંગ્રેસ જોઇ રહી છે. વીચારી રહી છે અને આગળ વધી રહી છે.
ચૂંટણી આવતા જ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વિવાદોમાં સપડાયા છે. આ વચ્ચે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે હું બે-ચાર કે છ મહિના સુધી રાજકારણથી દુર રહીશ અને ત્યારબાદ આગળનો નિર્ણય લઇશ.
જો કે ભરતસિંહે આ જાહેરાત સાથે એમ પણ જણાવ્યુ કે સામાજીક કામો જેમ કે ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, આદિવાસી, દલિત, લઘુમતિ કોમ તેમના પ્રચાર પ્રસારમાં આજે જે સમય આપ્યો છે, તેના કરતા વધુ સમય આપીશ. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ સ્થળે ફરી ત્યાંના યુવાનો ત્યાનાં સંગઠનોને એકઠા કરી એક મજબૂત તાકાત ઊભી કરવાનો પ્રયત્ન કરીશ.
ભરતસિંહ સોલંકીએ તેમને લઇને થતા વિવાદોને રાજકીય સંડોવણી જણાવી છે. તેમણે જણાવ્યુ કે અમારા પરિવારને વર્ષોથી ગરીબ, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ દ્વારા ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ મળતા રહ્યા છે. ત્યારે કેમ કરીને ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીને નીચા પાડે તો ઓટોમેટીક રાજકીય રીતે બીજા પક્ષ આગળ આવી શકે તેનો પ્રયાસ છે. તેમણે કહ્યુ લોકોનું મન મોંઘવારી, બેકારીથી, પીવાના પાણીથી, ભ્રષ્ટાચારથી અને ગેરવહીવટથી હટાવવાનો આ પ્રયાસ છે.