
ફરી દિલના દુશ્મને એક યુવાન પર હુમલો કર્યો છે. ફરી એક નવજુવાનનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ છે. પંચમહાલના મોરવા હડફ તાલુકામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં રજાયતા ગામમાં લગ્નપ્રસંગ હતો. વરરાજાના મિત્રો ખુશી મનાવી રહ્યા હતા. જો કે આ પ્રસંગમાં વરરાજાને ખભે લઈને નાચતા મિત્રનું જ મોત થઈ ગયુ હતુ. લગ્ન પ્રસંગ વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લાના રજાયતા ગામમાં એક યુવક પોતાના મિત્રના લગ્નની ખુશીમાં ઝુમી રહ્યો હતો. તે ડીજેના તાલ સાથે અન્ય મિત્રો અને વરરાજાને નચાવતો હતો. વરરાજાનો મિત્ર વરરાજાને ઉંચકીને નાચી રહ્યો હતો. ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો. તુરંત જ યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જવાયો હતો. જો કે, રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો. મૃતક યુવકની ઉંમર 27 વર્ષની હતી. તેને હૃદયરોગનો હુમલો આવ્યાની આશંકા છે. આ અચાનક મોતે ચિંતા વધારી છે.
છેલ્લા બે મહિનામાં દિલના દુશ્મને આવા અનેક યુવાનોના ભોગ લીધા છે. કોઈક ક્રિકેટ રમતા, કોઈક યોગ કરતા અચાનક મોતને પામ્યા. આ પહેલા પાટણમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. તો સુરતમાં યોગ કર્યા બાદ હૃદયરોગથી મોત થયું. સુરત, અમદાવાદ, રાજકોટમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
Published On - 5:44 pm, Sat, 18 March 23