Panchmahal : પંચમહાલ ના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું (Prabhatsinh Chauhan death) નિધન થયુ છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે. 83 વર્ષની જૈફ વયે પ્રભાતસિંહે પોતાના અંતિમ શ્વાસ લીધા છે.
આ પણ વાંચો- Jamnagar News : મિત્રની માતાના નામે 12 ફેક આઈડી બનાવનાર આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ
પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેમના નિધનથી પરિવારજનો અને તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ છે. પ્રભાતસિંહ અંગે વાત કરીએ તો તે 5 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા છે અને 2 ટર્મ સાંસદ પદ પર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને હરાવી તેઓ સાંસદ બન્યા હતા.
પ્રભાતસિંહ પંચાયતથી સંસદ ભવન સુધી પહોંચનારા લોકપ્રિય નેતા હતા. પ્રભાતસિંહના નિધનથી પરિવારજનોમાં શોક છવાયો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુર ખાતેથી પૂર્ણ કર્યું હતું. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ પહેલા કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર પણ હતા.જો કે બાદમાં તેઓ રાજકારણમાં જોડાયા હતા.
તેમણે સામાજિક સમાનતા તેમજ ગ્રામિણ વિકાસ માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા હતા. આ ઉપરાંત તેમણે ગ્રામીણ વિસ્તારોના વિકાસ તેમજ લોક કલા અને સંસ્કૃતિના વિકાસ પ્રોત્સાહન માટે પણ સક્રિયરૂપે કામ કર્યુ છે.
પ્રભાતસિંહ ચૌહાણ તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મહેલોલ , જય પ્રણાશ પિયત સહકારી મંડળી સોસાયટી લિમિટેડ પ્રતાપુરા, અર્થક્ષમ સેવા સહકારી મંડળી લિમિટેડ મહેલોલ, ખેડૂત અન્યાય નિવારણ સમિતિ કલોલ તદુપરાંત શિવમ શિક્ષણ ટ્રસ્ટ કલોલના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
Published On - 1:53 pm, Thu, 26 October 23