જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દી માટે જગ્યા નહી

|

Apr 15, 2021 | 8:31 AM

વધુ બેડની વ્યવસ્થા કરવા પાંચ દિવસ લાગશે તેવા જિલ્લા કલેકટરના નિવેદનથી લોકોમાં ગભરાટ-ભયની લાગણી

કોરોના મહામારીએ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જી દીધી છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ (GG Hospital )માં કોરોનાના નવા એક પણ દર્દી માટે જગ્યા જ નથી. જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ઉભા કરાયેલા કુલ 1450 બેડમાંથી તમામે તમામ 1450 બેડ ભરાઈ ગયા છે.

છેલ્લા એક સપ્તાહથી, જામનગરમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દર્દીઓને જામનગરમાં લવાતા, આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવે જામનગરમાં કોરોનાના જે કોઈ નવા દર્દીઓ સામે આવે છે તેમને તેમના પોતાના ઘરે જ હોમ ક્વોરોન્ટાઈન થવાની ફરજ પાડવામાં આવી રહી છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. તો સમગ્ર જિલ્લામાં 308 નવા દર્દીઓ કોરોના સંક્રમિત નોંધાયા છે.

હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી વધુ વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરે પાંચ દિવસ માંગ્યા છે. કલેકટરે કહ્યુ કે બેડની સંખ્યા વધારવા માટે પાંચ દિવસનો સમય જોઈશે. જિલ્લા કલેકટરના આ નિવેદનથી જ જામનગરમાં સરકારી તંત્રે કોરોના મહામારી સામે લડવા માટેના હથિયાર હેઠા નાખી દીધા હોય તેવુ ફલિત થાય છે. એક તરફ ગુજરાત સરકાર આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ખાનગી અને સહકારી ક્ષેત્રનો સહકાર લઈ રહી છે. જ્યારે બીજી બાજુ જિલ્લા કલેકટરના આવા નિવેદનથી લોકોમાં ભય અને ગભરાટ પ્રસરી ગયો છે.

Next Video