ડાંગ, નવસારી, વલસાડમાં જળબંબાકાર, દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર પાણી પાણી, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પ્રચંડ કેર વર્તાવ્યો છે. ડાંગમાં 13 ઇંચથી વધુ, જ્યારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ડાંગ, નવસારી, વલસાડમાં જળબંબાકાર, દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર પાણી પાણી, જુઓ Video
| Updated on: Jul 03, 2026 | 9:36 PM

નવસારી જિલ્લામાં પણ આકાશી તરખાટ જોવા મળ્યો છે. નવસારીમાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે કાવેરી નદીની સપાટી 10 ફૂટ પર પહોંચી છે, જોકે ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી તાલુકામાં છેલ્લા ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ વરસી જતાં આ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. કાવેરી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પૂર્ણા અને અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની શક્યતા છે, જેમાં અંબિકા નદીની જળસપાટી 8 મીટર પર પહોંચી છે.

નવસારી શહેર અને જિલ્લામાં સતત વરસાદને કારણે 34 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ગણદેવીના 7 માર્ગો, ચીખલી અને વાંસદાના નવ-નવ રસ્તાઓ બંધ કરાયા છે. નેશનલ હાઇવે નંબર 48 પર પણ ચીખલી નજીક થાલા ગામે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. નવસારીના બિલીમોરા શહેરમાં આવેલા વેંકટેશ્વર નગર અને બંકેશ્વર સોસાયટીમાં 200 થી વધુ ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જોકે, વરસાદ થોડો ધીમો પડતાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.

વલસાડમાં વિનાશક વરસાદ અને નુકસાન

વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. બે કલાકમાં 6 ઇંચ અને છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદથી આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે. રસિમ પાર્ક, સત્યમ સોસાયટી, શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે, અને લોકોએ પલંગ પર સામાન મૂકી પાણીથી બચવાનો પ્રયાસ કર્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાને કારણે જળબંબાકારની સ્થિતિ વધુ વકરી છે.

વલસાડના ભાગડાવાડા ગામની ગ્રીનપાર્ક અને વિનાયક નગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાયા છે. ફર્નિચર સહિતની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, અને સ્થાનિકોની હાલાકી વધી છે. કોસમબા રોડ, હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ સહિત શહેરના તમામ વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આગામી 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ! 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર, જુઓ Video

Published On - 9:36 pm, Fri, 3 July 26

Follow Us