વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાને આજે નવસારીમાં (Navsari) ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત 3 હજાર 50 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે આ પ્રસંગે નવસારી સાથે જોડાયેલી પોતાની જુની યાદોને વાગોળી હતી. આ સરકાર ગરીબોની સરકાર હોવાનું તેમણે જણાવ્યુ. સાથે જ આદિવાસીઓ અને ગરીબો માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની અનેક યોજના તેમના સુધી કેવી રીતે પહોંચાડવામાં આવી છે તેની માહિતી આપી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં પાટીલ (C. R. Patil) અને પટેલની (Bhupendra Patel) જોડીએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો હોવાનું જણાવ્યુ હતુ.
વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા શરુઆતમાં કહ્યું કે, ગઈ ચૂંટણીમાં ભારેખમ મતથી વિજય આપવા માટે નવસારી અને સમગ્ર ગુજરાતનો આભાર માનુ છુ. આટલા વર્ષોમાં પહેલીવાર આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ થયો. આજે ગુજરાત ગૌરવ અભિયાનમાં મને ગૌરવ થઈ રહ્યો છે. વડાપ્રધાને કહ્યુ કે મારા કાર્યકાળમાં ન થયુ, તે મારા સાથીઓએ કરી બતાવ્યુ. ગુજરાત છોડ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જોડીએ એજ ઉમંગ અને ઉત્સાહ સાથે ગુજરાતના વિકાસને આગળ ધપાવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાત ગૌરવ સંમેલનનું ભાગ બનવુ એ જ ગૌરવની વાત છે.
નવસારીમાં 3 હજાર 50 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવા પર વડાપ્રધાને જણાવ્યુ કે આ વિકાસ કામો દક્ષિણ ગુજરાતના લોકોનું જીવન સરળ બનાવી દેશે. તેમણે કહ્યુ કે છેલ્લા 8 વર્ષમાં સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત ગરીબોને તેમની મૂળભૂત સેવાઓ આપવાનું કામ અમારી સરકારે કર્યુ છે. ગરીબ પરિવારોને પાક્કા ઘર,વીજળી, ગેસ કનેક્શન મળ્યા છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે ઘણા લાંબા સમયે ચીખલી આવ્યો છુ. જેથી સ્વાભાવિક રીતે અહીંની બધી યાદો તાજી થાય. તેમણે ચીખલી સાથે વર્ષો જુનો નાતો હોવાનું જણાવ્યુ હતુ. તેમણે જુની વાતને વાગોળતા કહ્યુ કે, તે સમયે અમારી પાસે કોઇ સાધનો ન હતા. અહીંયા બસમાંથી ઉતરીને ખભે થેલો પકડીને આવતો હતો. વડાપ્રધાને કહ્યુ કે આટલા વર્ષો સુધી અહીં રહ્યો પણ મને યાદ નથી કે ક્યારેય મારે ભુખ્યા સુવાનો વારો આવ્યો હોય. આ પ્રેમ, આશીર્વાદ એ જ મારી શક્તિ છે. આદિવાસી ભાઇ-બહેનો સાથે કામ કરવાનો અવસર મળ્યો એના કરતા વધારે મને શીખવાનો અવસર મળ્યો. સુઘડતા, સ્વસ્છતા, શિસ્ત શીખવા મળ્યા છે. આ આદિવાસી સમાજની જીવન રચના છે. આ સમાજ પર્યાવરણની રક્ષા કરનારો છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભૂતકાળમાં આદિવાસી વિસ્તારના જ મુખ્યપ્રધાન હતા. જો કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓ તેમના ગામનો જ વિકાસ કરી શક્યા ન હતા. તેમણે કહ્યુ કે તે સમયમાં હેન્ડપંપના લોકાર્પણ થતા હતા અમે નળથી જળ આપી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે 2001માં પહેલીવાર આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાને જણાવ્યુ કે વિકાસના જે પણ કામોનું ખાતમુહૂત અમારા દ્વારા કરવામાં આવે છે. તેનું લોકાર્પણ પણ અમારા દ્વારા કરવામાં આવે છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્ય કે અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ. ચૂંટણી તો જનતા જનાર્દનના આશીર્વાદથી જીતી જઈએ છીએ. વડાપ્રધાને વિરોધીઓને પડકાર આપતા જણાવ્યુ હતુ કે વિકાસનું કોઈ કામ ન થયું હોય તેવું એક અઠવાડિયું શોધી લાવો.