Navsari News: દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક તરીકે ડાંગર અને શેરડી ખેડૂતોના આવકનો આધારસ્થંભ છે, દક્ષિણ ગુજરાતમાં પિયતની પૂર્તિ વ્યવસ્થા હોવાના કારણે ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ એમ બંને સીઝનમાં ડાંગરનો પાક પકવે છે અને સારામાં સારા ભાવો મેળવે છે. ડાંગર ખેડૂતો માટે ફાયદાનો સોદો તો છે જ પરંતુ ડાંગર આધારિત ઉદ્યોગો પણ મોટા પાયે વિકસ્યા છે.
જેના કારણે રોજગારી મોટા પ્રમાણમાં મળી રહે છે. અંદાજે નવસારી જિલ્લામાં પાંચ હજાર લોકોને રોજગારી મળે છે. એટલે ડાંગર એક ખેડૂતોની સાથે લોકોને પણ રોજગારી આપતો મહત્વનો પાક છે.
ડાંગરની ખેતી દક્ષિણ ગુજરાતમાં 200 વર્ષથી કરવામાં આવે છે, જેમાં અલગ અલગ વિકસેલી જાતો અને તેનો પાકવાનો સમય ખૂબ મહત્વનો હોય છે. આ રીતે ખેડૂતો આધુનિકતાની સાથે ડાંગરનો પાક કરીને સારી એવી કમાણી કરતા થયા છે, પરંતુ ડાંગરના પાકને માપવાનો દક્ષીણ ગુજરાતમાં એક અલગ ચીલો પડ્યો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું પાક સહકારી અને ખાનગી એમ બે ધોરણે ખરીદી કરવામાં આવે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં “આરા”ના ભાવે ડાંગર ખરીદવાની પ્રથા 100 વર્ષથી ચાલી રહી છે. વડીલો એ પાડેલી “આરા” પ્રથા આજે પણ પ્રચલિત છે. જેમાં ડાંગર પકવતા તમામ ખેડૂતો આરાના ભાવે ખરીદ અને વેચાણ કરે છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં ડાંગરની ખરીદી ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવે છે.
પરંતુ દક્ષિણ ગુજરાતમાં જુનવાણી પદ્ધતિ પ્રમાણે જ ડાંગરની ખરીદી થાય છે અને જેનાથી દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓથી માંડીને ખાનગી ખેડૂતોને હથોટી આવી ગઈ છે અને વર્ષોથી ચાલી આવેલી પરંપરાને આજે પણ ટકાવી રાખી છે “આરા”ના ભાવે ડાંગરની ખરીદી અને માપણી કરવામાં આવે છે અને એ જ રીતે ખરીદવાને વેચવા માટે ખેડૂતો પણ ટેવાઈ ગયા છે.
સો વર્ષથી વધુ સમય પહેલા શણના કોથળાઓની ડિઝાઇન બનાવવામાં આવી હતી, જેમાં અન્ય ધાન્ય પાકો જેમ કે જુવાર તુવેર બાજરો મકાઈ જેવા પાકો સો કિલો ભરી શકાતા હતા, જેની સરખામણીમાં ડાંગરનો પાક હલકો ગણાતો હોવાના કારણે એ કોથળામાં માત્ર 70 કિલો જ ભરી શકાતો હતો એટલે સગવડતા ખાતર વ્યવહારમાં સરળતાથી ગણતરી કરી શકાય એના માટે બે કોથળા ભરો એટલે એક “આરો” એટલે કે 140 કિલો થઈ જાય.
આવી સાદી અને વ્યવહારુ ભાષાને અસ્તિત્વમાં રાખવા અને સુવ્યવસ્થિત ગણતરી કરી શકાય એને ધ્યાનમાં રાખીને આરા પદ્ધતિ વિકસી હતી. નવસારીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ખેડૂત એવા વિનોદ દેસાઈ સાથે “આરા” પદ્ધતિના અસ્તિત્વ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “આરા” પદ્ધતિનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી.
પરંતુ એક પ્રચલિત માપન પદ્ધતિ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે અને એ વર્ષોથી ચાલી આવે છે એ જ રીતે ખેતી સાથે સંકળાયેલા ખેડૂત આગેવાન પિનાકીનભાઈ પટેલે પણ “આરા” પદ્ધતિનો માત્ર અને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.
અનાજ અને ધાન્ય ભરવા માટે પહેલાના વખતમાં એટલે કે 200 વર્ષ પહેલા અંગ્રેજોના જમાનામાં શણના કોથળાઓ બનાવવામાં આવતા હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ અનાજની હેરફેર કરવા માટે અને સંગ્રહ કરવા માટે વપરાતા હતા, જે સમયાંતરે બદલાયા છે હવે નવા જમાનાની સાથે વેલ્યુ એડિસનનો વ્યાપ વધ્યો છે, ત્યારે ડિઝાઇનર કોથળાઓ બનાવી અનાજ ભરવામાં આવે છે જેનાથી લોકોને આકર્ષી શકાય છે.
પહેલાના જમાનામાં લોકો ખાતર વગરનું શુદ્ધ ભોજન જમતા હતા, જેના કારણે તેમની તંદુરસ્તી પણ સારી રહેતી હતી, ખડતલ શરીર ધરાવતા લોકો સરળતાથી 100 કિલો જેટલું વજન સરળતાથી ઉપાડી લેતા હતા, એટલે 100 કિલો ભરી શકાય એટલા મોટા શણ કોથળાઓ બનાવવામાં આવ્યા હતા, જે સમયાંતરે હવે નાના થતા ગયા છે. હવે 25 કિલો અને 50 કિલો વજન ભરી શકાય એવડી નાની કોથળીઓ જ બજારમાં ઉપલબ્ધ છે.
દક્ષિણ ગુજરાતમાં “આરા” પદ્ધતિ 200 વર્ષથી વધુ સમયથી દક્ષિણ ગુજરાતમાં વ્યવહારો વજનની માત્રા તરીકે વ્યવહારમાં ઉપલબ્ધ છે, આરા પદ્ધતિનો સાહિત્યમાં અથવા સરકારના ચોપડે સરકારી રીતે માન્યતા મળી હોય એવો ક્યાંય ઉલ્લેખ નથી. પરંતુ વ્યવહારુ રીતે પ્રચલિત બનેલું આરાનું માપ આજે પણ દક્ષિણ ગુજરાતમાં વ્યવહારુ રીતે વાપરવામાં આવે છે અને જેનાથી ખરીદ અથવા વેચાણ થાય છે. ભલે સરકારી ચોપડે આરાનો ઉલ્લેખ નથી પરંતુ વ્યવહારુ ભાષામાં માન્યતા મળી છે.
વ્યવહારમાં વપરાતા શબ્દો કે બોલી સમયાંતરે કાયમી વપરાશનો શબ્દ કે બોલીનું સ્વરૂપ ધારણ કરતું હોય છે એ જ રીતે “આરા” માપન પદ્ધતિ પણ સમયની સાથે પોતાનું એક અલગ અસ્તિત્વ ઊભુ કર્યું છે. વ્યવહારમાં વપરાતો શબ્દ હવે કાયમી જીવન પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. ઇતિહાસમાં “આરા” શબ્દોનો ક્યાંક ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ લોક બોલી અને વ્યવહારના કારણે અસ્તિત્વમાં આવ્યો છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)