
નવસારી શહેર ફરી એકવાર નશામાં ધૂત કારચાલકના બેફામ વર્તનનો સાક્ષી બન્યું છે. એરુ ચાર રસ્તાથી ઇટાળવા રોડ પર એક નશામાં ધૂત કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા અને રસ્તા પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાને પણ ટક્કર વાગી હતી, જેના કારણે તેમને ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, નશાની હાલતમાં કાર ચલાવી રહેલા બે યુવાનોએ બેફામ રીતે વાહન હંકારતા આ ઘટના સર્જાઈ હતી. તેમની કારે રસ્તા પરથી પસાર થતા અનેક વાહનોને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ કારચાલક લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો, પરંતુ તેના કૃત્યથી લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.
આ ઘટના એટલા માટે પણ વધુ ચિંતાજનક છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં નવસારીમાં નશામાં વાહન ચલાવવાને કારણે બનેલી આ બીજી મોટી ઘટના છે. વારંવાર થતા આવા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં Drunk Driving સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિના સમયે વાહન ચેકિંગ સઘન બનાવવાની અને આવા બેફામ ડ્રાઇવરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કારમાં સવાર બંને યુવાનોને કસ્ટડીમાં લીધા છે અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલની તપાસ કરીને તેમના શરીરમાં દારૂની હાજરી છે કે કેમ તે ચકાસવામાં આવશે. ઉપરાંત, અકસ્માત સર્જનાર કારને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ યુવાનો સામે રેસ ડ્રાઇવિંગ અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ નોંધ્યા છે. મહત્વનું છે કે એક મહિલા આ વીડિયોમાં એવું બોલતી જોવા મળી રહી છે કે 112 ને કોલ કર્યો પણ આવી નથી. પરંતુ આ અંગે કોઈ સતાવાર પુષ્ટિ થઈ નથી.
આ ઘટના ફરી એકવાર Road Safety, ટ્રાફિક નિયમોના પાલન અને Drunk Driving જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલો ઉભા કરે છે. પોલીસે કડકાઈથી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, પરંતુ આવા કિસ્સાઓ અટકાવવા માટે જનજાગૃતિ અને કાયદાના કડક અમલ બંને અનિવાર્ય છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા બેફામ ડ્રાઇવરો પર કાયમી લગામ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.
અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ, જુઓ Video