નવસારી જિલ્લાના બિલિમોરામાં ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ઘટના બનતા બનતા રહી ગઇ છે. ગુરુવારે રાત્રે સૌ કોઈ લોકો આરામ કરી રહ્યા હતા. જો કે અચાનક એક સાથે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જે પછી વડીલોની સ્થિતિ વધુ વિકટ બની છે. ગુરુવારની રાતે 1 વાગ્યે અચાનક 40થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પછી નવસારીમાં અફરાતફરીનો માહોલ થઇ ગયો હતો. શ્વાસ રૂંધાવા પાછળનું કારણ એક ફેક્ટરી હતી.
નવસારી જિલ્લામાં હરિસિદ્ધિ આઈસ ફેક્ટરી આવેલી છે. આ એ જ ફેક્ટરી છે, જેના કારણે એકસાથે આટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ. ફેક્ટરીમાં એક પાઈપમાં લીકેજ થઇ હતી, જેમાંથી એમોનિયા ગેસ પ્રસર્યો હતો અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો. આ ફેક્ટરીના આસપાસ રહેણાંક વિસ્તાર છે. શિયાળાની રાતમાં લોકો સૂઈ રહ્યા હતા અને એમોનિયા ગેસે તેમના શ્વાસ પર તરાપ મારી. જે પછી 40થી વધુ લોકોને ગેસ લીકેજની અસર થઈ, તો એક વડીલને શ્વાસ લેવામાં તકલીફ પડી. બે વડીલોની મુશ્કેલી વધી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. ઘટનાની ગંભીરતા જોતા જ ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું અને કર્મચારીઓ કામે લાગ્યા.
પાઈપમાંથી લીક થઈ રહેલા ગેસને કાબૂમાં લેવાની કવાયત 4થી 5 કલાક સુધી ચાલી. આ દરમિયાન આસપાસના વિસ્તારને ખાલી કરાવવો પડ્યો.. આ વિસ્તારમાં આ ફેક્ટરી ઘણાં વર્ષોથી છે, જે બાદ ત્યાં સોસાયટીઓ વિકસી અને ધીમે ધીમે રહેણાંક વિસ્તારો ફેક્ટરીને એકદમ અડીને બની ગયા. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શા માટે રહેણાંક વિસ્તારને આવી જોખમી જગ્યાએ બનાવવાની મંજૂરી અપાઈ..? ખૂબ જ સાંકડા વિસ્તારમાં આવું જોખમી પગલું ઉપાડવાની મંજૂરી કોણે આપી..? નિષ્ણાંતો પણ માને છે કે, આવી સ્થિતિમાં ફેક્ટરી ન જ હોવી જોઈએ.
નિષ્ણાતો માને છે કે, રહેણાંક વિસ્તારમાં એમોનિયા બેઝ પ્લાન્ટ ન જ હોવા જોઈએ. ગમે તેટલી કાળજી છતાં આવા પ્લાન્ટ મુશ્કેલી ઉભી કરે છે. વધુ માત્રામાં ગેસની અસર સ્વાસ્થ્ય સામે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. બિલ્ડિંગ અને પ્લાન્ટ વચ્ચે પણ જરૂરી અંતરનો પણ અભાવ જોવા મળ્યો. ભવિષ્યમાં ફરી આવી ઘટના બને તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.સ્વાભાવિક છે કે, જ્યારે નિષ્ણાતો આ ફેક્ટરીને જોખમી માને છે, ત્યારે જેમના શ્વાસ રૂંધાયા હતા. તેઓ પણ હવે ભયમાં છે. સ્થાનિકો પણ માને છે કે, તંત્રની બેદરકારીને કારણે તેમના સામે જોખમી ફેક્ટરી ઉભી કરી દેવાઈ છે. લોકો હવે આ ફેક્ટરીને રહેણાંક વિસ્તારથી દૂર કરવાની માગ કરી રહ્યા છે.
(વિથ ઇનપુટ-નિલેશ ગામિત,નવસારી)