સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા

નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતો જંગલની જમીન પર ખેડાણના અધિકાર માટે ધરણા પર બેઠા છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન અને સ્થાનિક આગેવાનોએ ખેડૂતોના સમર્થનમાં ભાગ લીધો.

સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા
| Updated on: Aug 09, 2026 | 7:05 PM

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતોએ જંગલની જમીન પર ખેડાણ કરવાના અધિકાર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ધરણામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા આ વિરોધ પ્રદર્શને જમીન અધિકારના મુદ્દે રાજકીય ગરમાવો લાવ્યો છે.

ખેડૂતો અને વન વિભાગ વચ્ચે લાંબા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસી ખેડૂતો જંગલની જમીન પર ખેડાણ કરવાની મંજૂરી આપવાની માંગ કરી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ગંભીરતા દાખવી અગાઉ સુરત જિલ્લા કલેક્ટરને ધરણા અંગે પત્ર પણ લખ્યો હતો. તેમણે વન મંત્રી પ્રવીણ માળી સાથે પણ વાતચીત કરીને સાગબારાના ખેડૂતો માટે રજૂઆત કરી હતી.

ધરણા દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય, આદિવાસીઓની માનવતાની દ્રષ્ટિએ આ માંગણીનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, જો સાગબારાના લોકો પાસેથી જંગલની જમીન છીનવી લેવામાં આવશે, તો તે ઉમરપાડા કે અન્ય કોઈ આદિવાસીને મળવાની નથી. તેના બદલે, વન વિભાગ ત્યાં પ્લાન્ટેશન કરશે અને બે વર્ષ પછી ઉમરપાડાનો પણ વારો આવશે. તેમણે વન વિભાગ પર આદિવાસીઓને ડરાવી, ધમકાવી, પટાવી, ફોસલાવી અને આદિવાસીઓમાં ભાગલા પડાવીને જંગલની જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પ્રત્યે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

સાંસદ વસાવાએ વન મંત્રી પ્રવીણ માળીને વિનંતી કરી હતી કે, તેઓ રાજ્ય કક્ષાના વન મંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે અધિકારીઓની વાતમાં ન આવે. તેમણે આદિવાસીઓના હિતને ધ્યાનમાં રાખવા અને ચૂંટાયેલા સંસદસભ્ય તરીકે તેમની વાત માનવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાત ટર્મથી લોકપ્રતિનિધિ છે અને તેમના મતવિસ્તારના લોકોનો સહયોગ તેમને મળતો રહ્યો છે, જેથી દુઃખના પ્રસંગે તેમને સહકાર આપવો એ તેમની ફરજ છે.

વસાવાએ અધિકારીઓને રૂબરૂ સ્થળ મુલાકાત લેવા વિનંતી કરી હતી, કારણ કે બે તાલુકા વચ્ચે સંબંધ સારા ન હોય તો વન સમિતિના અભિપ્રાય પણ ન મળી શકે. તેમણે ઉમરપાડાની જેમ સાગબારામાં પણ ખેડૂતોને જમીન ખેડાણ કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરી હતી. આદિવાસી ખેડૂતો સાથે અન્યાય ન થાય અને એક પક્ષના ખેડૂતોને ભેદભાવનો ભોગ ન બનવું પડે તેવો નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને સરકાર તથા વન વિભાગ આદિવાસી ખેડૂતોની માંગ પર શું નિર્ણય લેશે, તે જોવું રહ્યું.

ગિરની ગર્જનાથી 891 સિંહોની ગૌરવગાથા સુધી… પરિમલ નથવાણીની યાદોમાં સિંહો

Follow Us
Loading...
Unable to load recommendations.