ગુજરાતમાં આ મંદિરના જુના મકાનમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને 133 નખ, જુઓ Video

રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી 37 વાઘના ચામડાં અને 133 નખ મળતાં ચકચાર મચી છે. IB અને વનવિભાગે સઘન તપાસ શરૂ કરી છે. મહારાજ માધવાનંદ સ્વામીના અમેરિકા કનેક્શનની શંકા છે.

ગુજરાતમાં આ મંદિરના જુના મકાનમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને 133 નખ, જુઓ Video
| Updated on: Jan 09, 2026 | 10:58 PM

રાજપીપળા શહેર નજીક આવેલા ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી વાઘના નખ અને ચામડા મળવાના મામલાએ ભારે ચકચાર મચાવી છે. આ ગંભીર પ્રકરણમાં આજે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સામે આવતા જ કાયદા અમલકારી એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

તપાસ દરમિયાન મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પાસપોર્ટના વિગતો મુજબ તેઓ 12-02-1977ના રોજ અમેરિકા (USA) ગયા હોવાનું સામે આવ્યું છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે તેઓ કોની સાથે સંપર્કમાં હતા અને આ સંપર્કોનો કોઈ સંબંધ વન્યજીવ તસ્કરી સાથે છે કે કેમ.

કોઈ નેટવર્ક કાર્યરત નથી ને..

પ્રાથમિક માહિતી અનુસાર મહારાજ માધવાનંદ સ્વામી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. આથી વનવિભાગે મધ્યપ્રદેશ સુધી તપાસનો વ્યાપ વિસ્તરાવ્યો છે અને મળેલા વાઘના ચામડાં તથા નખોના સ્ત્રોત વિશે માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. અન્ય રાજ્યો સાથે સંકળાયેલ કોઈ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

આ ઘટના ગુજરાતમાં પ્રથમવાર એટલી મોટી માત્રામાં વાઘના ચામડાં અને નખ મળ્યાનો કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. તપાસ દરમિયાન કુલ 37 આખા વાઘના ચામડાં, 4 ચામડાના ટુકડા અને અંદાજે 133 જેટલા વાઘના નખ મળ્યા હોવાનું અધિકૃત રીતે જાણવા મળ્યું છે. વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ આ અત્યંત ગંભીર ગુનો ગણાય છે.

IB અને વનવિભાગ દ્વારા વિસ્તૃત તપાસ

મંદિરના ટ્રસ્ટી દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમે મંદિર ખાતે પહોંચી સ્થળ તપાસ કરી અને તમામ સામગ્રી જપ્ત કરી છે. હાલ સમગ્ર મામલે IB અને વનવિભાગ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સુરતના ડાયમંડ કિંગ, 180 રૂપિયા હતો પગાર, આજે કરોડોનો છે કારોબાર

Published On - 9:12 pm, Fri, 9 January 26