નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી દેતા હવે 150 જેટલા સ્થાનિક સફાઇ કર્મીઓ અટવાઇ પડ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ મશીન આવતા 150 સ્થાનિક લોકોને છુટા કરી દીધા છે. હવે વડોદરા મહાનગર પાલિકાને (Vadodara Municipal Corporation) માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો. જો કે હવે તેમનો દાવો જાણે પોકળ સાબીત થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સાફ સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ બી.વી.જી. કંપનીને આપવામાં આવ્યો હતો. જો કે વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફ સફાઈ કરાવતી બી.વી.જી. કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 150 જેટલા આદિવાસીઓ હવે બેરોજગાર બની ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા મહાનગર પાલીકાને માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે હવે માણસથી નહિ મશીનથી સાફ સફાઈ થશે. જો કે તેના કારણે અહીં રહેતા આદિવાસી લોકોની રોજગારી છીનવાઇ છે.
નર્મદા જિલ્લામાં SOUનું નિર્માણ થયા અહીં રોજગારી મળ્યા બાદ કેવડીયા, કોઠી, લીંબડી, વાગડીયા, નવાગામ, ગોરા ગામના 150 આદીવાસી પરિવારોનું ગુજરાન ચાલતુ હતું. જે તે સમયે એ 6 ગામના સરપંચોએ પોતાના લેટર પેડ પર જેમના નામ આપ્યા એ લોકોની જ બી.વી.જી. કંપનીમાં ભરતી કરવામાં આવી હતી. એસ.ઓ.યુ. આસપાસના વિસ્તારમાં જે લોકોના લારી ગલ્લા હટાવાયા એવા જ લોકો બી.વી.જી. કંપનીમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. જો કે હવે ફરી તેમના માથે એની એ આફત આવીને ઉભી છે. હવે એસઓયુ સત્તા મંડળ એમને અન્ય કોઈક જગ્યાએ રોજગારી આપે છે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.