
ભાજપના ( BJP) રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ (B.L. Santosh) આજે ગુજરાતની મુલાકાતે છે. નર્મદા (Narmada)જિલ્લાના કેવડિયામાં આજે રાત્રે 9 કલાકે બી.એલ.સંતોષ આવી પહોંચશે. આવતીકાલથી ભાજપના એસટી મોરચાની બે દિવસીય બેઠક ટેન્ટસિટી ખાતે યોજાશે. ત્યારે અહીં બી. એલ. સંતોષ આ બેઠકમાં હાજરી આપશે. આવતીકાલે સવારે 9 વાગે એસટી મોરચાની બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા બી.એલ.સંતોષ કરશે સાથે કેન્દ્રિયમંત્રી આદિજાતિ અર્જુન મુંડા પણ હાજર રહેશે.
નર્મદાના કેવડિયામાં આવતીકાલે એસટી મોરચાની બેઠક યોજાવાની છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ સાથે ત્રિપુરાના ઉપમુખ્યમંત્રી અને ગોવાના સ્પીકર પણ હાજર રહેશે. આવતીકાલે સાંજે ગરુડેશ્વર ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન અપાશે. તેમજ એસટી મોરચાની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એસટી મોરચાના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવનારા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ વિધાનસભાની વહેલી ચૂંટણી સંદર્ભે ભાજપ સરકાર, સંગઠન અને સંઘ સાથે બેઠકો કરી એક રિપોર્ટ તૈયાર કરી પક્ષના મોવડીઓને આપશે. જેના આધારે સંઘ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી અંગેનો આગામી નિર્ણય લઈ શકે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના મોટા નેતાઓએ સમીક્ષા બેઠકો અને ચિંતન શિબિર શરુ કરી દીધી છે. આ પહેલા 7 મેના રોજ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન દિલ્હીમાં થતું હતુ, તે પરંપરામાં બદલાવ લાવીને અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના આમંત્રણને માન આપીને એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
દેશના આરોગ્યસેવાઓની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 64000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં પાંચ વર્ષ માટે એક જિલ્લામાં 100 કરોડના ખર્ચે આરોગ્ય લક્ષી વિવિધ માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.આ પ્રકલ્પોમાં મેડિકલ કોલેજ ટર્શરી કેર સુવિધાઓ, અત્યાધુનિક લૅબ, તકનીકી સેવાઓ ઉપકરણો આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ હવે વધુમાં વધુ બેઠકો મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. જેથી હવે રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ (B.L. Santosh) પણ આજે ગુજરાત મુલાકાતે આવશે અને ભાજપને વધુ મજબુત બનાવવા માર્ગદર્શન આપશે.