રાજ્યમાં હાલમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત મૂળ સૌરાષ્ટ્રમાં અને તમિલનાડુમાં વસતા નાગરિકો ગુજરાત દર્શન કરીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ નિહાળી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા એકતાનગર સ્થિત ટેન્ટસિટી – 2 ખાતે આવકારવામાં આવ્યા હતા. વડોદરાથી એકતાનગર-કેવડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. 300 મહેમાનોએ પ્રથમ પડાવમાં કેવડિયાની મુલાકાત લીધી હતી. 30 એપ્રિલ સુધી યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત 300 યાત્રિકોને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દુધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો…. મજામાં છો…. બહુ મઝા આવી….. નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો.
સોમનાથ, દ્વારકા ત્યાર બાદ એકતાનગરમાં ઉષ્માભેર આવકારથી મહેમાનો ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા જોતાં તેમના મોએંથી પ્રશંસાના શબ્દો સરી પડ્યા હતા.
આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું.
આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી – 2 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.
વિથ ઇનપુટ: વિશાલ પાઠક, નર્મદા ટીવી9
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:45 pm, Sat, 22 April 23