Monsoon 2022: મેઘમહેરને પગલે છલકાયા રાજ્યના નદી-નાળા, સંખ્યાબંધ ડેમમાં નવા નીરની આવક

રાજ્યમાં મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમમાં (Dam) પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સીઝનના પહેલા વરસાદમાં (Rain) જ ભરાઈ ગયા છે

Monsoon 2022: મેઘમહેરને પગલે છલકાયા રાજ્યના નદી-નાળા, સંખ્યાબંધ ડેમમાં નવા નીરની આવક
ગુજરાતના ડેમોમાં નવા નીરની આવક થઇ
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:35 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) શરુઆતમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ (Rain) પડ્યો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ચોર્યાસી અને સુરત શહેરમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યના સંખ્યાબંધ ડેમમાં પણ નવા નીર આવ્યા છે.

ગુજરાતના ડેમોમાં નવા નીરની આવક

રાજ્યમાં મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સીઝનના પહેલા વરસાદમાં જ ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 12 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31 ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 42 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં મળીને પાણીનો 25.18 ટકા જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ રાજ્યની જીવાદોરી સમાન  નર્મદા સરદાર સરોવર ડેમમાં 43.12 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 18 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદમાં જ ડેમમાં નવા નીર આવતા વહીવટી તંત્ર અને ખેડૂતોની ચિંતા હળવી બની છે.

રાજ્યમાં સીઝનનો 16.44 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 16.44 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સીઝનનો સરેરાશ 12.58 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સીઝનનો સરેરાશ 10.86 ટકા વરસાદ ખાબક્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 10.54 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો સરેરાશ 18.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 21.03 ટકા વરસાદ નોંધાયો છે.

હજુ 5 દિવસ વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.