
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરતા 7 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ જ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને પણ સમાન સજા કરવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાએ માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી છે.
સરકારી પક્ષના જણાવ્યા મુજબ વર્ષ 2023 દરમિયાન વન વિભાગ દ્વારા સરકારી જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ વન વિભાગના કર્મચારીઓને ચૈતર વસાવાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ધમકી આપવામાં આવી, મારપીટ કરવામાં આવી અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. કેસની સુનાવણી દરમિયાન 17 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
ચુકાદા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓ કોર્ટના નિર્ણય સામે કાયદાકીય લડત ચાલુ રાખશે. તેમના વકીલે પણ જણાવ્યું કે નીચલી અદાલતના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે અને જામીન માટે અરજી કરવામાં આવશે. તેમણે આ સમગ્ર કેસને ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી ખતમ કરવાના ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો.
આ કેસમાં કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીએ પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સમગ્ર મામલાને રાજકીય વેરઝેરનું પરિણામ ગણાવતા કહ્યું કે ચૈતર વસાવાના અવાજને દબાવવા માટે સત્તાધારી પક્ષ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, ભાજપે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. ગુજરાત ભાજપના સહપ્રવક્તા ધવલ પટેલે જણાવ્યું કે ચૈતર વસાવા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં આરોપી રહ્યા છે અને કોર્ટે પુરાવાઓના આધારે આ સજા ફટકારી છે. તેમના મતે આ ચુકાદો કાયદાના શાસનનું ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ બાદ આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ફરિયાદ અનુસાર વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી તેમજ ધમકીઓ આપવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને ત્યારથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ હવે કોર્ટનો ચુકાદો આવ્યો છે.
કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં આવી શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, બે વર્ષથી વધુ સજાના કિસ્સામાં ધારાસભ્યની સભ્યતા રદ થવાની જોગવાઈ છે. જોકે, ચૈતર વસાવા હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. આ દરમિયાન તેમની સભ્યતા અંગેનો નિર્ણય લેવા માટે વિધાનસભાના અધ્યક્ષ પાસે સત્તા રહેશે.
હાલ સમગ્ર મામલે રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને હવે સૌની નજર હાઇકોર્ટમાં થનારી આગામી કાર્યવાહી પર ટકેલી છે.
લખનઉ અગ્નિકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગની કોચિંગ ક્લાસિસ પર તવાઈ