
મોરબી જિલ્લાના વિરપરડા ગામમાં એક કૂવાના પાણીમાં જોવા મળેલા રહસ્યમય હાલક-ડોલકે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. આશ્ચર્યજનક રીતે, કોઈ ભૂકંપ કે કુદરતી આફત ન હોવા છતાં, કૂવામાં પાણી જાતે જ હિલોળા લેતું જોવા મળ્યું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. શરૂઆતમાં, ઘણા લોકોએ આ ઘટનાને ભૂકંપ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જોકે, સિસ્મોલોજી વિભાગે આ અફવાઓનું ખંડન કરતાં જણાવ્યું છે કે મોરબી કે તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાઈ નથી. આથી, આ ઘટનાને ભૂકંપ સાથે જોડવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
આ ઘટનાની તપાસ માટે રાજકોટથી ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમ અને ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GWRDC)ના અધિકારીઓ વિરપરડા પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં, ટીમો કૂવાની ભૌગોલિક રચના, તેની પહોળાઈ અને ઊંડાઈ, તેમજ દરિયાઈ ભરતી-ઓટની તેની પર સંભવિત અસર જેવા પાસાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ જણાવ્યું કે, ભૂકંપ જેવી પ્રવૃત્તિ ન હોવા છતાં આ પ્રકારની હિલચાલ “જિયો-હાઇડ્રોલોજિકલ” ઘટના હોઈ શકે છે, જેના પર વધુ સંશોધન કરવું જરૂરી છે.
પ્રાથમિક તારણો સૂચવે છે કે કૂવાનું પાણી અહીંથી અંદાજિત 15 કિલોમીટર દૂર આવેલા દરિયાની ભરતી-ઓટ સાથે સંકળાયેલું હોઈ શકે છે. સ્થાનિકો પણ એવું જણાવી રહ્યા છે કે ભરતી અને ઓટ સમયે કૂવામાં પાણીની હલનચલન વધી જાય છે. કૂવાનો વ્યાસ વધારે હોવો અને તેનું ઊંડાણ સુધી બાંધકામ થયેલું હોવું પણ આ હલનચલન માટે જવાબદાર હોઈ શકે છે, તેમ નિષ્ણાતોનું અનુમાન છે. મેજર જિયોલોજિકલી એક્ટિવ સ્ટ્રક્ચર આ મુવમેન્ટ માટે જવાબદાર હોય તેવું હજુ સુધી જાણવા મળેલ નથી.
તપાસ ટીમે કૂવાના પાણીના નમૂનાઓ એકત્ર કરીને રાજકોટની લેબોરેટરીમાં વધુ વિશ્લેષણ માટે મોકલ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ બાદ જ આ રહસ્યમય ઘટના પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. આ દરમિયાન, મોરબી કલેક્ટરે જિલ્લાના લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, તપાસ પૂર્ણ થયા વગર કોઈ પણ કારણ અંગે તારણ કાઢવું અયોગ્ય છે અને સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ તમામ વિગતો જાહેર કરવામાં આવશે. આ મામલે સ્પેશિયલાઇઝડ એક્સપર્ટ્સની ટીમ કાર્યરત છે.
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો, વાહનવ્યવહાર થંભ્યો, જુઓ Video