મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ

આજે રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે.

મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ
Morbi Tragedy
| Edited By: | Updated on: Nov 02, 2022 | 7:16 AM

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે. અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોઝારો પુલ 135 જીંદગીને ભરખી ગયો !

રાજકીય લોકોથી લઈને સામાન્ય નાગરીકોમાં પણ મોરબીની ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ છે. ઝુલતા પુલ તુટવાની ઘટનાના ત્રણ દિવસ બાદ હજુ પણ દુર્ઘટનાસ્થળે બે લોકોના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં  135 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ખુદ પીએમ પણ ખુબ જ વ્યથિત હતા અને ગઇકાલે PM મોદીએ પણ મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથે જ દુર્ઘટનાગ્રસ્ત લોકોના ખબર અંતર પુછ્યા હતા. અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ કરવા સુચનો આપ્યા હતા.

જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા PM મોદીની સૂચના

PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે PM મોદીએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યું કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યું છે.

અદાલતે ચાર આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાતના મોરબી દુર્ઘટના કેસમાં ધરપકડ કરાયેલ ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત ચાર આરોપીઓના અદાલતે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. ગોઝારા પુલે અનેક પરિવારોનો માળો વિંખી નાખ્યો છે. ત્યારે હાલ આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.