મોરબી (Morbi) ના ટંકારા (Tankara) માં રહેતા બે વેપારીઓ (traders) ને અલગ અલગ ફોનમાંથી ખંડણી (ransom) માટે ફોન કરી ખંડણીની માંગણી કર્યા બાદ એક વેપારીએ ખંડણી નહીં આપતા પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ટંકારામાં રહેતા અને વેપારીની રેકી કરતા આરોપીઓને વેપારી પાસે વધુ પૈસા હોવાની શંકા હતી. શંકાના આધારે આરોપીઓએ ફોન કરી ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીએ આ ધમકીને હળવાશમાં લીધી અને પોલીસ (Police) ને આ અંગે જાણ નહીં કરતા આરોપીઓએ દેશી બંદૂકથી ફાયરિંગ કરી વૃદ્ધ વેપારીની હત્યા કરી નાખી હતી.
ટંકારામાં આવેલ સરિતા સેલ્સ એજન્સીના વેપારી સવજીભાઈ કકાસણિયા તેમજ ભારત રેફ્રીજરેટરના માલિક અશોકભાઈ મોહનભાઈ મુછાળાને અલગ અલગ નંબર પરથી ફોન કરી ખંડણીની માંગણી કરનાર આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી. સવજીભાઈને ફોન કરી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે અશોકભાઈને ફોન પર પાંચ લાખની ખંડણી માંગી જો પૈસા નહીં આપે તો તેમના દીકરા જયને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા બનાવમાં નવો ફણગો ફૂટ્યો હતો. આરોપીએ એવી પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે વેપારી સવજીભાઈ કકાસણિયાની તેઓએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. પોલીસે ખંડણી માંગવી તેમજ હત્યાના ગુનામાં મૂળ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના વતની અને હાલ ટંકારા રહેતા યોગેશ રવીન્દ્રભાઈ પાવરા, ટંકારા રહેતા હર્ષિત બેચરભાઈ ઢેઢી તથા પ્રિન્સ જીતેન્દ્રભાઈ અઘારાની ધરપકડ કરી છે.
થોડા દિવસ પહેલા ટંકારાની લતીપર ચોકડી નજીક સરિતા સેલ્સ એજન્સીના માલિક સવજીભાઈ કકાસણિયાનો મૃતદેહ તેમની દુકાનમાંથી મળી આવ્યો હતો, લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા પરિવારજનો મૃતદેહને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. મોરબીમાં ત્યારે સરકારી હોસ્પિટલમાં ડૉકટરોની હડતાળના પગલે પરિવારજનોએ પીએમ કરાવાનું ટાળ્યું અને એમ માની લીધું કે સવજીભાઈને હાર્ટ એટેક આવ્યો હશે અને તેઓ નીચે પડી જતા તેમને ટેબલ વાગ્યું હશે. તેથી પીએમ કરાવ્યા વગર તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
લોકો પાસેથી મળતી માહિતી જો આપણે સાચી માનીએ તો સવજીભાઈના અવસાન બાદ થોડા દિવસ પછી સવજીભાઈના દીકરા અરવિંદભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે કે દસ લાખ રૂપિયાની ખંડણી આપજે નહીતર તારા પિતાને જેમ ગોળી મારીને મારી નાખવામાં આવ્યો તેમ તને પણ મારી નાખવામાં આવશે. અરવિંદભાઈને આવો ફોન આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને ટંકારા પોલીસમાં ખંડણી માટે ફોન આવ્યો હોવાની જાણ કરી હતી. અશોકભાઈ મુછાળાને પણ ખંડણી માટે ફોન આવ્યો હતો. પોલીસે બંનેની ફરિયાદ લઇ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા વેપારીની ગોળી મારી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું.
સ્થાનિકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપીઓ નવા નવા ડોન બનવા માટે નીકળ્યા હતા. સાઉથની ફિલ્મ જોઈને તેનાથી પ્રભાવિત થઈ તેઓ ડોન બનવા માંગતા હતા. સવજીભાઈ પાસેથી પૈસા પડાવવા માટે પહેલા ફોન કરી ધમકી આપી હતી અને દસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહીં આપતા તેને મારી નાખવાનો પ્લાન ઘડી દેશી બંદુક મંગાવી હતી જેમાંથી ફાયરિંગ કરી વૃદ્ધ વેપારીનું ઢીમ ઢાળી દઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સવજીભાઈની હત્યા થઇ ગઈ છે તેવું તેના પરિવારજનોને શંકા પણ નહીં ગઈ પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે તેમ આરોપીઓનું પાપ છાપરે ચડીને પોકાર્યું ને મૃતકના પુત્રને ફોન કરી ખંડણીની માંગણી કરી પિતાની જેમ તેને પણ મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલતો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં કુલ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેમજ હથિયાર ક્યાંથી આવ્યું હતું અને બીજા કોઈ લોકો પાસેથી ખંડણી વસુલી છે કે કેમ તેવા અનેક સવાલો ના જવાબ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઇ, ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવામાં આવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો