Monsoon : વરસાદની હજુ ઘટ, અત્યાર સુધી ચોમાસું નબળું, ગુજરાત સહિત અનેક રાજયોમાં દુષ્કાળના એંધાણ

|

Aug 25, 2021 | 10:07 AM

રાજ્યમાં વરસાદ ખેંચાતા દુકાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો 7 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો કેટલાક તાલુકામાં સત્તાવાર રીતે દુકાળ જાહેર થશે.

નોંધનીય છેકે દેશભરમાં હાલ 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળની ભીતિ સેવાઇ રહી છે. જુલાઇ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં સીઝનનો સૌથી નબળો વરસાદ નોંધાયો છે. તો અનેક રાજયોમાં 50 મિ.મિથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. અને, હજુપણ આગામી દિવસોમાં દેશભરમાં કોઇ વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાનું સામે આવ્યું છે. જેથી નજીકના ભવિષ્યમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે.

રાજ્યમાં વરસાદ ખેંચાતા દુકાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો 7 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો કેટલાક તાલુકામાં સત્તાવાર રીતે દુકાળ જાહેર થશે. સરકારની નવી કિસાન સહાય યોજના પ્રમાણે 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તેવી સ્થિતિમાં કૃષિ નુક્સાન થાય તો તેને અનાવૃષ્ટિ એટલે કે દુકાળ ગણવામાં આવે છે. સરકારી યોજનાના આ ગણિત પ્રમાણે રાજ્યના ઘણા તાલુકા દુકાળગ્રસ્ત જાહેર થાય તેવી શક્યતા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના દૈનિક વરસાદ અહેવાલ મુજબ સિઝનનો માત્ર 41.71 ટકા વરસાદ થયો છે. બે તાલુકામાં તો બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે. 20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ છે. ધારાસભ્યોની માંગણી છે કે, એક સપ્તાહમાં વરસાદ ન પડે તો કિસાન સહાય યોજના હેઠળ કલેક્ટરોને દુષ્કાળ જાહેર આદેશ અપાવામાં આવે. જેથી ખેડૂતોને યોજના હેઠળ રૂપિયા એક લાખ સુધીનું વળતર ઝડપથી મળે અને ખેતી રવી પાક માટે આગળ વધે. મહત્વનું છે કે, રાજ્યના 251માંથી 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ છે.

Next Video