Mehsana : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક એકમોના પ્રતિનધિઓ સાથે CSR કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
જિલ્લા કલેકટર એમ.નાગરાજને જણાવ્યું હતું કે વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે, છેવાડાના માનવીનો સમુચિત વિકાસ થાય તે દિશામાં કંપનીઓએ પોતાની જવાબદારી સમજી CSR કામગીરી કરવી જોઇએ.
Mehsana : મહેસાણા જિલ્લા કલેકટર (District Collector) એમ.નાગરાજના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)અંતર્ગત થયેલ કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જરૂરીયાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ પણ વાંચો Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી
જિલ્લા કલેકટર એમ.નાગરાજને જણાવ્યું હતું કે વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે, છેવાડાના માનવીનો સમુચિત વિકાસ થાય તે દિશામાં કંપનીઓએ પોતાની જવાબદારી સમજી CSR કામગીરી કરવી જોઇએ. કલેકટરે વધુમાં સ્વાસ્થય, પોષણ, પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સહિત નવા ઇનોવેશનમાં પણ CSR કરવા ઔધોગિક એકમોના પ્રતિનિધિઓને માર્ગદર્શીત કર્યા હતા.
જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી
મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત સી.એસ આર બેઠકમાં મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં આરોગ્ય, આઇ.સી.ડી.એસ, સમાજ સુરક્ષા, શિક્ષણ, સંરક્ષણ તેમજ જવાહર નવોદય વિધાલયમાં નવીન પ્રોજેક્ટો તેમજ તેમની જરૂરીયાત સંદર્ભે વિગતે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ઔધોગિક એકમોને વિવિધ જરૂરીયાત, ફંડ સહિત વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનની રાજ્યકક્ષાના પ્રતિનિધિ કમલેશ ઉપાધ્યાએ રાજ્યમાં સી.એસ.આર અંતર્ગત થયેલ કામગીરી તેમજ જરૂરીયાત સંદર્ભે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ અને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત વિગતે સમજ આપી ઉપલ્બધ સી.એસ.આર ફંડ બાબતે ઔધોગિક એકમોને અવગત કર્યા હતા.
જિલ્લામાં 75 અમૃત સરોવરના બ્યુટીફેકશન માટે જરૂરીયાત સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું
સમગ્ર દેશમાં મિશન અમૃત સરોવર અંતર્ગત થઇ રહેલ કામગીરી સંદર્ભે મહેસાણા જિલ્લામાં 75 અમૃત સરોવરના બ્યુટીફેકશન માટે જરૂરીયાત સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં જિલ્લાના 75 અમૃત સરોવરમાં પ્લેઈંગ એરીયા, પ્લાન્ટેશન, રેલીંગ, ઓપન જીમ સહિત વિવિધ જરૂરીયાત બાબતે ચર્ચા કરાઇ હતી.
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં 50થી વધુ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ એકમો દ્વારા સી.એસ.આર અંતર્ગત થયેલ કામગીરી અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ તેમજ મહેસાણા જિલ્લાના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.