મહેસાણા BAPS મંદિર (BAPS Temple) ખાતે ‘સાધવો હૃદયમ મહ્યમ’ મધ્યવર્તી વિચાર સાથે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સંત સમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. સેવા, વિનમ્રતા અને પરાભક્તિની ત્રિવેણી સમાન બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું (Pramukh Swami Maharaj) જીવનસૂત્ર હતું ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ’ આ તેમનું જીવનસૂત્ર જ નહિ પરંતુ તેમની જીવનભાવના હતી. આવા વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મહેસાણા સ્થિત BAPS મંદિર ખાતે મહેસાણા (Mehsana) બનાસકાંઠા તેમજ પાટણ આ ત્રણ જિલ્લાના તેમજ કલોલ અને કડી તાલુકાનાં સંતો, મહંતો, મઠાધિપતિઓ તેમજ મહામંડલેશ્વરોનું સંત સંમેલન યોજાયું હતું.
1500 થી વધારે હરિભક્તોની ઉપસ્થિતિમાં આ સંત સંમેલનમાં 85 થી વધારે સંતો, મહંતો, મઠાધિપતિઓ તેમજ મહામંડલેશ્વરોને બાળકોએ પુષ્પવૃષ્ટિ કરીને મંદિર પરિસર તેમજ સભાગૃહમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત BAPS સંસ્થાના ગાંધીનગર અક્ષરધામ સ્થિત આર્ષ સંશોધન કેન્દ્રના મુખ્ય વ્યવસ્થાપક તેમજ ષડદર્શનાચાર્ય વિદ્વાન સંત શ્રુતિપ્રકાશદાસ સ્વામી, તેમજ ભગવતપ્રસાદદાસ સ્વામી અને કોઠારી સંત કરુણામૂર્તિદાસ સ્વામી સાથે સંતો, મહંતો, મઠાધિપતિઓ તેમજ મહામંડલેશ્વરોએ દીપ પ્રાગટય કરીને આ સંત સંમેલનનો શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યો પ્રત્યે પોતાની ભાવોર્મીઓ અર્પણ કરતાં ગોતરકા આશ્રમ (રાધાનપુર) મહંત નિજાનંદબાપુએ જણાવ્યુ કે હું જ્યારે ભારતવર્ષની રાજધાની દિલ્હીમાં જતો ત્યારે જોવાલાયક અને માણવાલાયક સ્થળ તરીકે એકમાત્ર બહાઇ સેન્ટરમાં જ જવાનું થતું ત્યારે જરૂર થતું કે આવડા મોટા સનાતનધર્મનું રાજધાનીમાં કોઈ સ્થાનક જ નહીં. આ દુખ સાથે અંતર વલોવાઇ જતું. પરંતુ પ્રમુખસ્વામી મહારાજે હજારો-લાખો હિન્દુ ધર્મના અનુયાઇઓની આ વેદનાનો અનુભવ કરતાં ગુરુ વચને ભારતીય સનાતન ધર્મનું સનાતન, વૈદિક સંસ્કૃતિનું મહાન સ્મારક અક્ષરધામનું સર્જન કરી હિન્દુ ધર્મની જ્યોત સમગ્ર વિશ્વમાં જળહળતી કરી છે.
કટાવધામ અન્નક્ષેત્ર (ભાભર)ના મહંત જ્યરામદાસજીએ પોતાની ભવાંજલી અર્પતા કહયું કે પ્રમુખસ્વામી મહારાજે સમાજના દુખ દર્દને સમજ્યું હતું આથી તેમનું પાવન હૃદય હમેશા સમાજની પીડાને નિવારવા માટે ધબકતું રહેતું. તેમની પાસે નાના-મોટાના કોઈ ભેદ જ નહોતો. વસુધૈવ કુટુંબકમની તેમની ભાવના હતી. તેમણે સમાજના દરેક વર્ગોને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સ્વીકાર્યા હતા. સમાજના સર્વાંગી વિકાસ માટે તેમણે સર્વશ્રેષ્ઠ ધર્મ સ્થાનોની સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ તેમજ આરોગ્ય સંસ્થાનોની સમાજને ભેટ આપી હતી. સર્વજનહિતાય સર્વજનસુખાયની ભાવના સાથે સ્વામીબાપા જીવ્યા હતા.
નારાયણ આશ્રમ, મહેસાણાના મહંત નારાયણદાસજીએ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક કાર્યોને પોતાની ભાવાંજલી અર્પતા જણાવ્યું હતું કે સ્વામીશ્રીનું કાર્ય એ સનાતન હિન્દુ ધર્મની રક્ષા કાજે હતું. તેમણે હિન્દુ સનાતન ધર્મના તમામ સંપ્રદાયોને એક કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. દરેક સમાજ તેમજ સંપ્રદાયોને આદર આપી સ્વામીશ્રીએ હિન્દુ સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કર્યું હતું. સંત સંમેલનમાં ઉપસ્થિતત ઘણા સંતો મહંતો તેમજ મઠાધિપતિઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોમસવ પર્વે પોતાની ભાવોર્મીઓ વહાવી હતી. તેમજ આવા સંત સંમેલનો યોજવા બદલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
આ પ્રસંગે શ્રુતિપ્રકાશ સ્વામીએ મહામંડલેશ્વરોનું અભિવાદન કર્યું હતું. તો ઉપસ્થિત સંતો, મહંતો, મઠાધિપતિઓએ તેમજ મહામંડલેશ્વરોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અને પાવનકારી ગુણોનું ગાન કરતાં તેમનો જન્મ શતાબ્દી મહોમસવ કે જે અમદાવાદનાં આંગણે 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી, 2023 ૩ દરમ્યાન ઉજવાશે તે માટેની શુભકામનાઓ પાઠવી હતી.