મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ

મહેસાણામાં પાલિકા ચૂંટણીની અદાવતમાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો કેસ નોંધાયો છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ તપાસમાં રાજકીય હત્યા અને સુનિયોજિત ષડયંત્રની આશંકા છે.

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ
| Edited By: | Updated on: Apr 25, 2026 | 9:14 PM

મહેસાણામાં ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પાલિકા ચૂંટણીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરાયાનો આરોપ છ. માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી કરી આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હુમલો સુનિયોજિત કાવતરૂ હતુ કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો વોર્ડ નં-4માં ભાજપમાંથી મહેન્દ્ર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લીલાબેન ચૌધરી ચૂંટણી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર રાત્રે 12.40 કલાકે બબાલ સર્જાઈ હતી. ભોગ બનનારના કેટલાં સંબંધીઓને લીલા ચૌધરીના પતિ સહિત અન્ય કેટલાંક શખ્સોએ આંતરીને બબાલ કરી હતી. જે બાદ નજીકમાં રહેલ ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીનો ભાણો મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે લીલા ચૌધરીના પતિ ભરત ચૌધરી સહિત ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ બોલાચાલી બાદ વાત વણસ્યાનું સામે આવ્યું છે. છતાં આશંકા છે કે કોઈ ષડયંત્ર રચીને જ આ હત્યાને અંજામ આપ્યો હોઈ શકે.

ઘટનાને પગલે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ અલગ-અલગ ટીમ બનાવીને… આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે યુવકની હત્યાને ‘પોલિટિકલ હત્યા’ ગણાવી અને ઘટનાને મહેસાણા તેમજ સમગ્ર ગુજરાત માટે ખૂબ કલંકિત કહી. કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી હતાશામાં કોંગ્રેસે આયોજનપૂર્વક ઘેરીને 21 વર્ષીય યુવાનનો જીવ લીધો હોવાનો આક્ષેપ કર્યો. સાથે હત્યા મુદ્દે મૌન કોંગ્રેસના નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા.

Input Credit- Manish Mistri- Mehsana

ગીરના રતાંગ ગામમાં બાળકીની પાછળ પડ્યો સિંહ, માંડ-માંડ બચ્યો જીવ – જુઓ Video

Follow Us