Mehsana : વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)વિસનગર તાલુકામાં “આપ કે દ્વાર આયુષ્માન” ત્રિ-દિવસીય મહાઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે. આ ત્રિ-દિવસીય ઝુંબેશમાં વિસનગર તાલુકાના મહત્તમ લોકોને આયુષ્માન કાર્ડ (Ayushman Card)કઢાવી 5(પાંચ)લાખનું આરોગ્ય સુરક્ષા મેળવવા મંત્રી ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોગ્યલક્ષી અભિગમના પરિણામ સ્વરૂપ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન યોજના કાર્યરત કરવામાં આવી છે.આ યોજનાનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર દ્વારા PMJAY અને મા યોજનાને સંકલિત કરીને PMJAY-MA યોજના અમલી બનાવવામાં આવી છે તેમ મંત્રીએ કહ્યું હતું.
રાજ્યભરમાં આપ કે દ્વાર આયુષ્માન મેગા ડ્રાઇવ અંતર્ગત નામાંકિત થયેલા ૮૦ લાખ કુટુંબો એટલે ૪ કરોડ લાભાર્થીઓને આ કાર્ડથી લાભાન્વિત કરવાની દિશામાં સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. જેના પરિણામ સ્વરૂપ ચાર મહિનામાં રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં અંદાજિત ૫૨ % જ્યારે વિસનગર તાલુકામાં ૧૩ ટકા લોકોએ અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો છે. જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવે તેના પ્રયાસરૂપ આજે વિસનગર થી આ ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
તબક્કાવાર જિલ્લાના અન્ય તાલુકાઓમાં અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની જનહિતલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.આયુષ્માન કાર્ડ અંતર્ગત ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ખર્ચાળ અને અતિ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. જેમાં કિડની, કેન્સર, હૃદયરોગ સહિતના ગંભીર રોગો અને અતિ જટીલ સર્જરી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. બિમારીના સારવાર ખર્ચના કારણે કોઈપણ કુટુંબ દેવાદાર ના બને તે માટે આયુષ્માન કાર્ડ કઢાવવુ અત્યંત જરૂરી હોવાનું મંત્રીએ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ,વિસનગર ગ્રામ્યમાં તારીખ ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.
તદ્અનુસાર તારીખ ૨૬ મી ફેબ્રુઆરીએ ગોઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભાલક પ્રાથમિક શાળા ખાતે જ્યારે તારીખ ૨૭ મી ફેબ્રુઆરીએ પુદગામ પ્રાથમિક શાળા અને વાલમ પ્રાથમિક શાળા ખાતે જ્યારે કાંસા ગામના બી.આર.સી. ભવનમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા મેગાઝૂંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રીએ આયુષ્માન કાર્ડ કઢાવવાની સમગ્ર પ્રક્રિયાનો તાગ મેળવી ઉપસ્થિત લાભાર્થીઓને કાર્ડ કઢાવી અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરવા માટે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિસનગર નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ ,તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા બેન પટેલ ,મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલ, અગ્રણી સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે ભાજપના નેતાઓ પહેલીવાર આદિવાસીઓના સમર્થનમાં આવ્યા
આ પણ વાંચો : કોરોના ઓસરતાં જ રાજ્યનાં મોટા મંદિરોમાં દાનનો ધોધ વહ્યો