Mehsana : આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો (Vadnagar) વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Pride Day)નિમિત્તે શર્મિષ્ઠા તળાવ ખાતે તરવૈયાઓ માટે ખુલ્લા પાણીમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
ગુજરાત સ્થાપના દિવસે (Gujarat Foundation Day)આ તરણ સ્પર્ધાનો હેતુ યુવાનોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવા અને વડનગર જેવા ઐતિહાસીક સ્થળોએ ટુરીઝમને પણ પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ સ્પર્ધાનું આયોજન ગુજરાત ટુરીઝમ , મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડીયન સાયકલ કલબ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના આયોજનમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ મળીને પાંચ લાખનાં ઇનામો આપવામાં આવ્યા હતા.
આ તરણ સ્પર્ધામાં 400 મીટર , 800 મીટર અને 2000 મીટર એમ ત્રણ કેટેગરીમાં મહિલા અને પુરુષ વર્ગમાં, 18 થી 39, 40 થી 59 અને 60 વર્ષથી ઉપરના સ્પર્ધકોની અલગ કેટેગરી રાખવામાં આવેલ હતી. તંત્ર તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા સ્પર્ધકોને રહેવા-જમવા-નાસ્તાની વ્યવસ્થા અને સ્વિમિંગ કેપ નિશુલ્ક આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં મુંબઇ સહિત રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાના 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લાની નગરી વડનગર સમૃધ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. જે વડગનરની પ્રાચીન ગરીમાને વ્યક્ત કરે છે. જે વારસો નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વડનગર વિશ્વના નકશામાં અંકિત થયું છે. વડનગરનો વારસો શ્રુંખલાથી નાગરિકો ભવ્ય નગરી વડનગરથી પરીચીત થયા છે.
અગ્રણી સોમાભાઇ મોદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વડનગરના પ્રવાસન સ્થળો સહિતના વિકાસ માટે અનેક વિધ પ્રયત્નો કરાઇ રહ્યા છે. વડનગરની જાળવણી આપણી ફરજ છે. વડનગર વૈશ્વિક કક્ષાએ ઉજાગર થાય તે માટે સહિયારા પ્રયાસની જરૂર છે. વડનગરમાં અનેક વિકાસના કામો થઇ રહ્યા છે. જેના થકી વડનગરના વિકાસને પ્રેરકબળ મળ્યું છે.
રાજકોટની તરણ સ્પર્ધક મૈત્રીએ જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી તેમજ દેશના પ્રધાનમંત્રીના જન્મ સ્થળ વડનગરના શર્મિષ્ઠા તળવામાં તરવાની તક મળી છે. જેનો મને વિશેષ આનંદ છે. વિવિધ તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે. પરંતુ આ તરણ સ્પર્ધા મારા જીવનની યાદગાર સ્પર્ધા બની છે.
અમદાવાદ સ્થાયી થયેલ અને વડનગરના સુનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શર્મિષ્ઠા તળાવ ખાતે બચપણમાં તરણ શીખ્યા હતા.રોજગારી અર્થે અન્ય સ્થાયી થેયલ હોવા છતાં વડનગર પ્રત્યે હમેશાં મારો લગાવ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે શર્મિષ્ઠા તળવામાં ફરી તરવાનું મારૂ સ્વપ્ન હતું. જે આ તરણ સ્પર્ધાથી પૂરૂ થયું છે.
આ પ્રસંગે તરણ સ્પર્ધાના સફળ આયોજન બદલ સ્પર્ધકોએ વહીવટીતંત્રનો વિશેષ આભાર માન્યો હતો. તરણ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને માર્ગદર્શનથી વડનગર ખાતે વડનગરનો વારસો” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે “વડનગરનો વારસો” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વડનગર ખાતે 26 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાની વિવિધ 75 શાળાઓના 150 વિધાર્થીઓ વડનગરના વિવિધ પ્રાચીન અને અર્વાચીન સ્થળોની મુલાકાત કરી હતી. ત્યાર બાદ 04 ડિસેમ્બરના રોજ 150 થી વધુ સાયક્લીસ્ટો મહેસાણાથી વડનગરની સાયકલ યાત્રા કરી હતી. 24 ડિસેમ્બરે વડનગર તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 75 વિધાર્થીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો કિર્તીતોરણ,હાટકેશ્વર મહાદેવ,શર્મિષ્ઠા તળાવ અને દરવાજાના ચિત્રો કાગળ ઉપર બાળકોની મૌલિકતા પ્રમાણે ચિત્રો દોર્યા હતા. આ ઉપરાંત 07 જાન્યુઆરીએ વડનગરના આ વૈવિધ્યસભર કાર્યક્રમમાં 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 750 વિવિધ જાતના વૃક્ષોમાં વડ,લીમડો,બોરસલ્લી,સપ્તપદી,પીપળો સહિત આર્યુવેદિક અન્ય વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. અને આગામી સમયમાં તેના જતન અને સંવર્ધન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 25 માર્ચના રોજ ઓ.એન.જી.સીના સંયુક્ત ઉપક્રમે વિસનગરથી વડનગર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગર મહેસાણા ચાર રસ્તા ખાતેથી 150 જેટલા દોડવીરોએ ઐતિહાસિક નગરી વડનગર સુધી દોડ લગાવી હતી. વિસનગરથી વડનગર કિર્તી તોરણ સુધી અંદાજીત 14 કિલોમીટર સુધીની દોડમાં રમતવીરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,વડનગર ખાતે ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠકકર.જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,તરણ સ્પર્ધકો,પ્રેક્ષકો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો