LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ

| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:07 AM

ઊંઝા પોલીસે ઘટનાસ્થળે પહોચી સંભવિત બ્લાસ્ટને રોકવા તાત્કાલિક ટેન્કરની નજીકથી પસાર થતી 32 KVની વીજલાઈન બંધ કરાવવામાં આવી હતી. આ ટેન્કરમાંથી સતત 12 કલાક સુધી ગેસ લીક થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

MAHESANA : મહેસાણા પાલનપુર હાઇવે પર એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું.રાત્રી દરમિયાન હાઇવે પર ટેન્કરને અકસ્માત નડતા રોડની સાઈડમાં ટેન્કર ખાબક્યું હતું.જેના કારણે ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થતા અફરા તફરી મચી હતી. ગેસ લીકેજ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી.આ ટેન્કર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહ્યું હતું

પ્રાપ્ત થતી માહિતી મૂજબ ઊંઝાથી મુક્તમપુર તરફ જતા હાઈવે પર LPG ભરેલું મોટું ટેન્કર રોડની સાઈડમાં ઉતારી જતા પલટી મારી ગયું હતું. આ ટેન્કરનો વાલ્વ ડેમેજ થતા ગેસ લીકેજ શરૂ થઇ ગયો હતો અને આજુબાજુના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. LPG ગેસ લીક થવાને કારણે મોટો બ્લાસ્ટ થવાનો ભય હતો, જેને કારણે બ્રાહ્મણવાડા ગામથી મુક્તમપુર સુધીનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. તેમજ ટેન્કર પલટી મારી ગયું તે વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી અને લોકોને ઘરની ન નીકળવા કહેવામાં આવ્યું હતું.

ઊંઝા પોલીસે ઘટનાસ્થળે પહોચી સંભવિત બ્લાસ્ટને રોકવા તાત્કાલિક ટેન્કરની નજીકથી પસાર થતી 32 KVની વીજલાઈન બંધ કરાવવામાં આવી હતી. આ ટેન્કરમાંથી સતત 12 કલાક સુધી ગેસ લીક થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારે માત્રમાં ગેસ લીકેજ થવાની આસપાસના રાયડો સહીતનાં પાકને નુકસાન થયું છે. જો કે ટેન્કર ખાલી થઇ જતા અને બધો ગેસ વાતાવરણમાં ભળી જવાથી મોટો બ્લાસ્ટ અને જાનહાની થતા અટકી ગઈ છે.