મહેસાણા (Mehsana) જિલ્લામાં રવિવારે 186 કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (Gujarat Secondary Service Selection Board) બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive exam) યોજાવાની છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઈન્દ્રજીતસિંહ વાળાએ પરીક્ષા દરમિયાન નિયમોનું પાલન કરવા પરીક્ષા કેન્દ્રો પર આદેશ આપ્યા છે.
મહેસાણા જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવા પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોના સ્થળે 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવા તેમજ કોઈ પ્રશ્નપત્રો દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે.
વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ, ખંડ નિરીક્ષક, સુપરવાઈઝર કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી કોઈ વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન,પેજર,કેલ્ક્યુલેટર,બ્લુટુથ ફોટોગ્રાફી ઉપકરણ પરીક્ષા ખંડમાં નહીં લઈ જઈ શકે. પરીક્ષાખંડમાં પુસ્તક, કાપલી, ઝેરોક્ષ, નકલો લઈ જવા નહીં કે તે અંગેની વિદ્યાર્થીઓને મદદગારી કરવી નહીં. પ્રતિબંધિત આ કોઈપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરવો નહીં.
પરીક્ષાર્થી ઉમેદવાર કે પરીક્ષા સંબધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થઈ શકશે નહીં. પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને મદદ કરી શકશે નહીં. આ આદેશ પરીક્ષાની કામગીરી માટે સરકાર તરફથી અધિકૃત કરવામાં આવ્યો છે. જેથી પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા તમામને આ નિયમો લાગુ પડશે. જો આ આદેશનો ઉલ્લંઘન થયાનું જણાશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો