
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને T20 સિરીઝમાં 3-1 થી પાછળ રાખીને શ્રેણી અજેય કરી લીધી છે. ભારતીય ટીમના કબ્જામાં સિરીઝ થઈ ચુકી છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ઘર આંગણે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. રોમાંચક મેચોને પગલે ક્રિકેટના સટ્ટોડીયાઓ પણ એક્ટીવ થઈ ચુક્યા હતા. જેને લઈ પોલીસે પણ આવા સટ્ટોડીયાઓને ઝડપવા માટે કાર્યવાહી કરવામાં સફળતા મેળવી છે.
આવી જ રીતે મહેસાણામાં ક્રિકેટનો સટ્ટો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની મેચોમાં રમાતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. હાચમીને પગલે મહેસાણા તાલુકા પોલીસની ટીમ સતર્ક થઈને બાતમીનુસાર તપાસ શરુ કરી હતી. જેમાં મહેસાણા-રાધનપુર રોડ પર આવેલ આરુષ આઈકોન ફ્લેટ પાસેના વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો એક શખ્શ રમાડતો હોવાનુ સામે આવ્યુ હતુ.
પોલીસની ટીમે એક શખ્શ ગોવિંદ ભગવાનદાસ પટેલને ઝડપી લઈને તેની પૂછપરછ હાથ ધરતા અને તેના મોબાઈલની પ્રાથમિક રીતે તપાસતા ક્રિકેટનો સટ્ટો રમવા અને રમાડવાની એક એપ્લીકેશન મળી આવી હતી. જે એપ્લીકેશન વડે ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે મોબાઈલ જપ્ત કરીને તપાસ શરુ કરી હતી. જેમાં આરુષ આઈકોન ફ્લેટમાં જ રહેતા એક શખ્શે આ એપ્લીકેશન આપી હોવાને લઈ તપાસ શરુ કરી છે.
તાલુકા પોલીસની ટીમે એપ્લીકેશનને ઈન્સ્ટોલ કરાવી આપનાર શખ્શની શોધખોળ હાથ ધરી છે. ગોવિંદ પટેલે પોલીસને બતાવ્યુ હતુ કે, આ એપ તેને અજય વિષ્ણુભાઈ પટેલે ઈન્સ્ટોલ કરી આપી હતી. જેણે આ અંગેની આઈડી પણ આપેલ. જે મૂળ કોલવડાનો અને હાલમાં આરુષ આઈકોન ફ્લેટમાં રહે છે.
આરોપી અજય પટેલના ઝડપાયા બાદ પોલીસને વધારે વિગતો મળી શકે એમ છે. તેની પાસે રહેલ સોફ્ટવેરની ડીટેલમાંથી પોલીસને વધારે અન્ય સટ્ટો રમતા લોકો અને સટ્ટોડિયાઓ અંગેની વિગતો મળી શકે એમ છે. જોકે પોલીસને એ પણ ડર છે કે, જો તે મોડો હાથમાં આવશે તો વિગતોને નાશ કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે આ માટે પોલીસ ટેક્નોલોજીને આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી શકે છે.
Published On - 11:42 am, Sun, 3 December 23