ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક, એજન્ટોએ પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા, છુટકારા માટે 2 કરોડની માંગી ખંડણી

મહેસાણાના એક પરિવાર ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો પ્રયાસ કરતા લિબિયામાં બંધક બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યોને પોર્ટુગલ જવાને બદલે એજન્ટો દ્વારા લિબિયામાં ઉતારી દેવામાં આવ્યા હતા.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક, એજન્ટોએ પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા, છુટકારા માટે 2 કરોડની માંગી ખંડણી
| Edited By: | Updated on: Dec 13, 2025 | 4:52 PM

ડંકી રૂટ દ્વારા વિદેશ જવાની ઘેલછા કેવા ગંભીર પરિણામ લાવી શકે છે તેનો એક કિસ્સો ગુજરાતના મહેસાણામાં બન્યો છે. મહેસાણા જિલ્લાના બદલપુરના એક પરિવારને લીબિયામાં ગોંધી રખાયો છે. આ પરિવારનું અપહરણ કરનારાઓએ મહેસાણાના સ્વજનો પાસે મોટી મસ્સ ખંડણી માગી છે. આ કિસ્સો પ્રકાશમાં આવતા જ ચારેતરફ ફરી ડંકી રૂટ દ્વારા વિદેશ જવા ઈચ્છનારાઓ પર પસ્તાળ પડી છે. કેટલાક આગેવાનોએ ગેરકાયદે વિદેશ જવા ઈચ્છનારા સાથે અવારનવાર થતું આવ્યું છે. કોઈ કિસ્સો બહાર આવે છે, કોઈ કિસ્સો બહાર નથી આવતો. કોઈ પૈસા આપીને છૂટી જાય છે, તો કોઈ પૈસા નથી આપી શકતું. જે રૂપિયા ના આપે તેમના હાલહવાલ જોવા જેવા થાય છે.

ગુજરાતના સમગ્ર મહેસાણા જિલ્લામાં ચકચાર જગાવી ચૂકેલા બદલપુરના અપહૃત પરિવારને લઈને વિવિધ સમાજના આગેવાનોએ રાજકિય ઓથ શોધવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક ધારાસભ્ય, મુખ્યપ્રધાન કાર્યાલયથી લઈને સંસદસભ્ય સુધીનાને મદદની અપીલ કરવામાં આવી છે. આ ઘટના ગેરકાયદેસર સ્થળાંતરના જોખમો અને એજન્ટો દ્વારા થતી છેતરપિંડી પર ગંભીર પ્રકાશ પાડે છે. પરિવારને પણ અન્ય લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ ના રાખવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે આઠ-નવ વર્ષથી પરિચિત એજન્ટ પર વિશ્વાસ કર્યો હતો. છેલ્લા બે મહિનામાં ગુજરાતમાંથી ડંકી રૂટ દ્વારા વિદેશ જવાની ઘેલછામાં આ પ્રકારનો આ ત્રીજો કિસ્સો છે, જે દર્શાવે છે કે આવા બનાવોની સંખ્યા વધી રહી છે. આ મામલે મુખ્યપ્રધાન કાર્યાલય અને સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્યની મદદથી સરકાર મધ્યસ્થી કરી રહી છે અને પરિવારને પરત લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

મહેસાણાના એક પરિવાર ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો પ્રયાસ કરતા લિબિયામાં બંધક બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યોને પોર્ટુગલ જવાને બદલે એજન્ટો દ્વારા લિબિયામાં ઉતારી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને બંધક બનાવી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે. જોકે, સ્વજનોએ વાતચીત કરીને ખંડણીની રકમ 12 લાખ સુધી ઘટાડી છે.

લિબિયામાં બંધક બનાવનારાઓએ શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ જણાવ્યા બાદ અને થોડી વાટાઘાટો પછી આ રકમ 12 લાખ રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો આજ સાંજ સુધીમાં અથવા સોમવાર સુધીમાં પૈસા નહીં મળે તો તેમને સ્વેટર વગર ઠંડા પાણીમાં રાખવામાં આવશે, અલગ રાખવામાં આવશે અને મજૂરી કરાવીને પૈસા વસૂલ કરવામાં આવશે. બંધક બનાવનારાઓએ પરિવાર હેમખેમ હોવાના વીડીયો મોકલીને પૈસા ચૂકવવા દબાણ કર્યું છે અને પૈસા ન મળ્યે ટોર્ચર કરીને વીડીયો મોકલવાની ધમકી પણ આપી છે.

આ મામલે મહિપતસિંહજી અને પરિવારે, ભાજપના ધારાસભ્ય સી.જે. ચાવડા, સ્થાનિક પોલીસ સ્ટેશનના એસ.પી. અને મહેસાણા જિલ્લા સ્તરના અધિકારીઓને રજૂઆત કરી છે. તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને સરકાર તરફથી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિવારની એકમાત્ર અપેક્ષા છે કે તેમના સ્વજનોને સુરક્ષિત પરત લાવવામાં આવે, પછી ભલે તે પૈસા ચૂકવીને હોય કે સરકારની મદદથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો