
મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા સ્થિત એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આચર્યની ઓફિસમાં જ લાંચની રકમ સ્વિકારતા એસીબીએ ઝડપી લઈને બંનેની ધરપકડ કરી છે. આચાર્ય અને શિક્ષક બંનેએ વિદ્યાર્થીઓને અપાતા ભોજન અને નાસ્તાના બીલની રકમમાંથી ત્રણ ટકા લેખે રકમ માંગી હતી. આ માટે પહેલા અડધી રકમ બીલ મુજબ લાંચ પેટે આપ્યા બાદ બાકીની રકમ માટે લાંચ માંગતા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી.
ખાનગી કંપની દ્વારા એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભોજન અને ચા નાસ્તો આપવામાં આવે છે. આ માટેના કોન્ટ્રાક્ટ હેઠળ નક્કી કરેલ દર મુજબ રકમ ખાનગી કંપનીને ચુકવવામાં આવતી હતી. જે ભોજન અને નાસ્તાના સંચાલન માટે એક જનરલ મેનેજર શાળામાં ખાનગી કંપની દ્વારા ફરજ બજાવતો હતો. જેની પાસે લાંચની રકમ માંગતા તેમણે કંપનીના માલિકને લાંચ અંગે જાણ કરી હતી.
આ અંગે ગોધરા એસીબીનો સંપર્ક કરવામાં આવતા એકલવ્ય સ્કૂલમાં જ છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. પ્રિન્સિપાલ અને શિક્ષકે લાંચ લઈને બોલાવ્યા હોવાને લઈ એ મુજબ આયોજન કરીને એસીબીની ટીમ પંચો સાથે રાખીને એકલવ્યુ સ્કૂલમાં પહોંચી હતી. જ્યાં જનરલ મેનેજર દ્વારા લાંચની રકમની ચુકવણી કરવામાં આવતા અને આ બાબતની વાતો કરતા એ તમામ પુરાવાઓ એકઠા કરીને શિક્ષક અને આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી હતી.
કંપની દ્વારા કોન્ટ્રાક્ટ મુજબ શાળા ખાતે રસોઈયા મુકીને વિદ્યાર્થીઓના માટે ભોજન સહિતનુ કેટરીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેના ગત એપ્રિલથી જુલાઈ મહિના સુધીના બિલની રકમના ત્રણ ટકા લેખે આચાર્ય અને શિક્ષકે લાંચની રકમની માંગણી કરી હતી. જે બીલની કુલ રકમ 27 લાખ કરતા વધુ હતુ. જેમાંથી 7.71 લાખ રુપિયાની રકમનો ચેક ચુકવવામાં આવ્યો હતો. બાકી રહેલી 19.28 લાખ રુપિયાની રકમ માટે રુબરુ મળીને આચાર્ય ભરત વણકરને રજૂઆત કરી હતી. જેમાં તેઓએ માંગેલ 25 હજાર રુપિયાની લાંચ ચુકવી આપવામાં આવી હતી.
આ દરમિયાન આચાર્ય ભરત વણકર દ્વારા લાંચની બાકીની 26 હજાર રુપિયાની રકમ શનિવારે ચુકવી આપવા માટે જણાવ્યુ હતુ. આમ બીજા હપ્તાની રકમને લઈ ફરિયાદ જનરલ મેનેજર એસીબીમાં પહોંચ્યો હતો. જ્યા તેણે લાંચ માંગનારા બંનેની વિગતો અને ફરિયાદ રજૂ કરી હતી. જેના આધારે છટકુ ગોઠવી તેને રંગેહાથ કચેરીમાંજ ઝડપી લીધો હતો. આચાર્ય અને શિક્ષક બંને 11 માસના કરાર આધારીત નોકરી કરતા હોવાનુ સામે આવ્યુ હતુ.
1. ભરતકુમાર કાળીદાસ વણકર,
ઈન્ચાર્જ આચાર્ય, (11 માસ કરાર આધરીત) વર્ગ-૩,
એકલવ્ય મોડલ, રેસીડેન્શીયલ સ્કુલ, કડાણા,
મુ.પો.દીવડા કોલોની, રહે. શાળા કેમ્પસ સ્ટાફ ક્વાટર્સ, દિવડા કોલોની જિ.મહિસાગર
મુળ રહે. ગામ રળીયાતા, વણકર ફળીયુ, તા.વિરપુર, જિ.મહિસાગર
2. હર્ષદકુમાર કાંતીલાલ પટેલ,
શિક્ષક, (૧૧માસ કરાર આધરીત) વર્ગ-૩,
એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ કડાણા,
મુ.પો.દીવડા કોલોની, રહે.ગામ લીંભોલા, પીપળાવાળુ ફળીયુ, તા.કડાણા, જિ.મહિસાગર
Published On - 4:36 pm, Sat, 23 September 23