MAHESANA: જોટાણાના શિક્ષકને વેક્સિનેશનના 2 સર્ટિફિકેટ મળ્યાં, હવે કેમ મળશે બુસ્ટર ડોઝ?
કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે ત્યારે જોટાણાના આ શિક્ષક બુસ્ટર ડોઝ લેવા ગયા ત્યારે તે વાતનો ખુલાસો થયો હતો. હવે બુસ્ટર ડોઝ મળશે કે કેમ તે બાબતે શિક્ષક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
મહેસાણાના જોટાણા (Jotana)ની કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ખદલપુરના વતની મુકુંદ કુમાર કનૈયાલાલ પટેલે વેક્સિન (vaccination)ના બંને ડોઝ લીધા હતા. આ વખતે તેમણે જોટાણા PHC સેન્ટર ખાતે મોબાઇલ નંબર તથા આધારકાર્ડના વેરીફીકેશન કરીને બંને વેક્સિનના ડોઝ લીધા હતા.
જોટાણા શિક્ષક બુસ્ટર ડોઝ (Booster dose) લેવા ગયા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. હવે બુસ્ટર ડોઝ મળશે કે કેમ તે બાબતે શિક્ષક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમણે આ બાબતે આરોગ્ય વિભાગના લેખિતમાં જાણ પણ કરી છે કે તેમના વેક્સિનેશનના બે અલગ અલગ સર્ટિફિકેટ (certificates) મળ્યાં છે જેમાંથી સાચું કયુ છે.
આ શિક્ષક (Teacher) ગત વર્ષે ફેબ્રુઆરીમાં પહેલો અને માર્ચ મહિનામાં બીજો ડોઝ લીધો હતો. તેમના પ્રથમ સર્ટિફિકેટ ID-57841051582 નંબરનું નીકળ્યુ છે જેમાં પ્રથમ ડોઝ 10-2-2021 તથા બીજો ડોઝ 25-10-2021 દર્શાવે છે જ્યારે બીજું સર્ટિફિકેટ ID-57895865459 નંબરનું નીકળ્યું જેમાં પ્રથમ ડોઝ 5-2-2021 અને બીજો ડોઝ 25-10-2021ના રોજ લીધો હોવાનું દર્શાવે છે.
અત્યારે સરકારે બુસ્ટર ડોઝ આપવાનું શરુ કર્યું છે ત્યારે આ છબરડો સામે આવ્યો છે. જોકે સમગ્ર રાજ્યમાં આવા બીજા પણ સર્ટિફિકેટ બન્યા હોઈ શકે છે. જોકે બુસ્ટર ડોઝ લેવાનો થશે ત્યારે આ બાબતે આવા વધુ કિસ્સા સામે આવી શકે છે.
આરોગ્ય વિભાગને આમાં કશું ગંભીર જણાતું નથી. તેને કરેલી ફરિયાદને પગલે આરોગ વિભાગ કહે છે કે આ સોફ્ટવેર અને ડેટા એન્ટ્રીની ભૂલ હોઈ શકે છે જેને સુધારી નવું સર્ટિફિકેટ આપી દઈશું.
આ પણ વાંચોઃ FACT CHECK : શું કોરોનાના ઇલાજ માટે સરકાર આપી રહી છે 5000 ? જાણો હકીકત
આ પણ વાંચોઃ દેશની વધુ એક સિદ્ધિ : માત્ર 10 દિવસમાં 3 કરોડ કિશોરોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ