દિવાળી વેકેશનમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા થિયેટરોમાં, કાંકરિયામાં પણ કોરોનાના નિયમો ભૂલ્યા અઢળક લોકો
Ahmedabad: દિવાળી વેકેશનમાં કોરોનાથી ભયમુક્ત હરતાફરતા શહેરીજનો જોવા મળી રહ્યા છે. 18 મહીને લોકોએ થિયેટર ભરી દીધા છે. જેને લઈને થિયેટર માલિકો ખુશ છે.
હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. અને કોરોનાકાળમાંથી રાહત મળતા નાગરિકો મન મુકીને વેકેશન માણી રહ્યા છે. અમદાવાદમાં પણ કંઇક આવો જ માહોલ જોવા મળ્યો છે. 18 મહિનાથી બંધ રહેલા થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી. કોરોનાથી કંટાળી ગયેલા લોકો હવે નિર્ભય બનીને થિયેટરો સુધી જઇ રહ્યા છે. તેમજ ફિલ્મો દ્વારા મનોરંજન મેળવી રહ્યા છે. થિયેટર માલિકોનું માનવું છે કે ધીમે ધીમે જનજીવન પાટા પર ચઢી રહ્યું છે. અને લોકો થિયેટર સુધી આવી રહ્યા છે. તો જણાવી દઈએ કે હાલમાં દિવાળીના અવસરે 2 નવી ફિલ્મો થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. જેમાંથી એક છે અક્ષય કુમારની સૂર્યવંશી. અક્ષયની ફિલ્મ લોકોને થિયેટર સુધી ખેંચી લાવી છે.
તો આ તરફ કાંકરિયામાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટ્યા છે. હજારોની સંખ્યામાં શહેરીજનોએ કાંકરિયા લેક ખાતે ભીડ જમાવી હતી. અને વેકેશનમાં ફરવાની મજા માણી રહ્યા છે. ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે દિવાળીના પ્રવાસીઓને જોતા કાંકરિયાને લઈને AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. AMC એ 8 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ કાંકરિયા ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે કાંકરિયા તેમજ અન્ય જગ્યાએ લોકોએ કોરોનાના નિયમોને નેવે મૂકી દીધા હતા. હાલમાં ત્રીજી લહેરનું જોખમ ઘટ્યું નથી ત્યારે આવી બેદરકારી ભારે પડી શકે એમ છે.