
ભાવનગર જિલ્લાના મહુવામાં દેશી દારૂના ગેરકાયદે ધંધા અને બુટલેગરોની પ્રવૃત્તિઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા પહોંચેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ મહુવા પોલીસ સાથે પણ બુટલેગર લાલજી બોઘાની ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો બીજો વીડિયો સામે આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક દેશી દારૂના મામલે રેડ કરવા પહોંચી હતી. આ દરમિયાન મહિલા દ્વારા વિજિલન્સના એક અધિકારીનો કાંઠલો પકડી તેમને રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં અધિકારી પોતાને છોડવા માટે વિનંતી કરતા સંભળાય છે. વીડિયોમાં અધિકારી, “અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો,” તેમ કહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ વિજિલન્સના અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના બાદ બુટલેગર લાલજી બોઘાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહુવા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, PSIની હાજરીમાં લાલજી બોઘાએ પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરી હતી. તેણે પોલીસને પડકાર ફેંકતા “તારાથી થાય તે કરી લે, અહીં ફાયરિંગ કરી નાખ” જેવા શબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ વીડિયો સામે આવ્યા બાદ મહુવા તાલુકામાં બુટલેગરોની પ્રવૃત્તિઓ અને ગેરકાયદે દારૂના ધંધા સામેની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
સમગ્ર મામલે કાર્યવાહી કરતાં મહુવા ટાઉન પોલીસના PI સહિતનો પોલીસ કાફલો બુટલેગર લાલજી બોઘાના ઘરે પહોંચ્યો હતો. પોલીસે લાલજી બોઘાને ઝડપી લીધો છે. બીજી તરફ, સ્ટેટ વિજિલન્સ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ બનાવવા માટે વપરાતી સાધનસામગ્રી મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
મહુવામાં દેશી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા પહોંચેલી વિજિલન્સની ટીમ પર જ હુમલો થયાની ઘટના અને પોલીસ કર્મચારીઓ સાથેની કથિત દાદાગીરીના વીડિયો વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે સ્થાનિક પોલીસ દ્વારા કેટલી અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે અને આવા અડ્ડાઓ પર અંકુશ લાવવા કેવાં પગલાં લેવાય છે, તેવા સવાલો ઊભા થયા છે. હવે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.