
આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનાં છ જેટલા તાલુકામાંથી 5 તાલુકા એવા છે કે જ્યાં ભૌગોલિક સ્થિતિ વિસમ છે. ડુંગરો અને જંગલોથી ઘેરાયેલા વિસ્તારમાં ખેતી કરવી પણ કપરૂ કામ છે. પથરાળ વિસ્તાર હોવાથી લોકો મા-બાપને છોડી રોટલો રળવા અન્ય જિલ્લાઓમાં જવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કારણ આપી રહ્યા છે કે અહિંયા રોજગારની કોઇ તકો જ નથી.
ખાસ કરીને નસવાડી, કવાંટ અને છોટા ઉદેપુર તાલુકા અતી પછાત છે. અહિંના લોકો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જઇને પણ ખેતી જ કરે છે. હિજરત કરી ગયેલા આ લોકો ત્યાં પણ ખેતી જ કરે છે જેમાં ઉપજની અનિશ્ચિતતા છે, જોખમ છે. પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની તકો સાવ ધુંધળી છે.
ઉદ્યોગો માટે કોઇ તક ન હોવાથી હિજરત કરી જતા લોકો વતનમાં છોડી જાય છે તેમનાં મા-બાપ. નસવાડીનાં હરિપુર ગામમાં આવા લાચાર વડીલોની ભરમાર છે. ગામની શેરીઓ સુમસામ અને ભેંકાર છે. રસ્તાઓ પર સન્નાટો વ્યાપેલો છે. એક સમયે 1800ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ તો મોટા ભાગનાં ઘરો પર તાળા લટકી રહ્યા છે. રળ્યા ખળ્યા ઘરોમાં વૃદ્ધો રોજગારી માટે હિજરત કરી ગયેલા પરિવારજનો પાછા આવે તેવી રાહ જોઇને બેસી રહ્યા છે.
આ વૃદ્ધો સાજા માદા હોય ત્યારે તેમની કોઇ સેવા ચાકરી કરનારૂ નથી. ઘરડે ઘડપણ એકલવાયુ જીવન તેમને કોરી ખાય છે. બિમાર પડે તો શું થશે? ઘરમાં પાણી કે જમવાનું કોણ બનાવી આપશે? રોજે રોજ ઉભા થતા સવાલ વચ્ચે પરિવારથી વિખુટા વૃદ્ધો ગમે તેમ કરીને દિવસો કાઢે છે. હર્યો ભર્યો પરિવાર હોવા છતા પોતાની ખેતી છોડી લોકો અન્ય સ્થળે મજૂરી કરવા જાય છે જે વારે તહેવારે વર્ષમાં એકવાર ઘેર આવે છે.
રોજગારની તકો ન હોય તો તેના કારણે થતી હિજરતની સામાજિક અસરો કેવી હોય છે તેનું આ વરવુ ઉદાહરણ છે. ચૂંટણી ટાણે ડોર ટુ ડોર પ્રચાર ફરતા નેતા ક્યારેક આ વૃદ્ધોનાં ખબર અંતર પુછવા ઘેર આવે તો નેતાજીને આ વેદના સમજાય. જો અહીં ઉદ્યોગો સ્થપાય, રોજગારીની તકો ઉભી થાય. તો જ પેટના માટે વેઠ કરવાની આ લાચારીમાંથી પરિવારો મુક્ત થશે..ઘડપણનાં સહારા સમાન દિકરાઓએ તેમના ઘરડા મા-બાપને એકલવાયું જીવન જીવતા છોડીને રોજગારી મેળવવા રઝળપાટ ન કરવો પડે.