
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
કચ્છના ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અવાજની સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 11 : 26 મિનિટે દુધઈ નજીક કેન્દ્રબિંદુ પર ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
આ અગાઉ 13 માર્ચ 2025ના રોજ અમરેલીમાં સવારે 10 : 12 મિનિટે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 44 કિમી અમરેલી દૂર નોંધાયુ હતુ. આ અગાઉ પણ અમરેલી અને રાજકોટમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 27 ઓક્ટોમ્બર 2024ના રોજ અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું હતુ.
સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપ આવવાના પાછળ ઘણા ભૌગોલિક અને ભૂગર્ભીય કારણો છે. આ વિસ્તારમાં ભૂકંપની અસર વધારે જોવા મળે છે. કેમ અવારનવાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપનો આંચકો આવતો હોય છે. તો આજે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપ આવવાના પાછળના ભૌગોલિક કારણો નીચે દર્શાવેલા છે.
સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની નજીક છે. આ પ્લેટોની ગતિવિધિ ભૂકંપનું મુખ્ય કારણ છે. જયારે પ્લેટ્સ ટકરાય છે અથવા હલનચલન કરે છે, ત્યારે ભૂકંપ સર્જાય છે.
સૌરાષ્ટ્રમાં અનેક ભૂગર્ભ ફોલ્ટ લાઇન્સ (જેમ કે કચ્છ ફોલ્ટ, કતિયાવાડ ફોલ્ટ) છે. આ ફોલ્ટ લાઇન્સ પર અચાનક ઉર્જા મુક્ત થાય તો ભૂકંપ સર્જાય છે.
જમીનની અંદર ગેસ અને પાણીના દબાણમાં ફેરફાર થવાથી પણ ભૂકંપ આવી શકે છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓએ ગેસ રિઝર્વ ધરાવતું માટીસ્તર છે, જે ભૂકંપને અસર કરી શકે.
સૌરાષ્ટ્રનું ભૂગર્ભીય માળખું અને ભૌગોલિક સ્થિતિ ભૂકંપ માટે અનુકૂળ હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવવાની શક્યતા વધુ છે. સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓ આવા કુદરતી પ્રકોપ સામે તકેદારી માટે સતત અભ્યાસ અને જાગૃતિ અભિયાન ચલાવે છે.
( વીથ ઈનપુટ – જય દવે, કચ્છ)
Published On - 7:36 am, Wed, 23 April 25