
વિશ્વમાં અલગ અલગ દેશોમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ છે જેમાં ભારતના આદિવાસી વિસ્તારોમાં પણ આ જોવા મળે છે જેમાં ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં હોળી પછી ‘ગોળ ગધેડાનો મેળો’ નામનો તહેવાર યોજાય છે. આ મેળામાં યુવાન યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેમની સાથે લગ્ન કરતાં હોય છે. આમ આદિવાસીઓનો પસંદગી મેળો પણ આ તહેવાર દરમિયાન થાય છે.
‘ગોળ ગધેડાનો મેળો’ હોળી પછીના પાંચમા, સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો ઢોલ વગાડતાં અને આનંદથી નાચતાં-ગાતાં આવે છે.
ગોળ ગધેડાના મેળામાં આદિવાસી સિવાયના અન્ય સમાજના લોકો પણ જોવા મળે છે. આ પ્રસંગે મેળાના મેદાનની મધ્યમાં 20 થી 25 ફૂટ ઊંચા લાકડાનો સમક્ષિતિજ લાંબો થાંભલો ઉભો કરવામાં આવે છે, જેના ઉપર કાણાં પાડી માણસ ઉભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે. અને થાંભલાની ટોચ પર ગોળની એક પોટલી લટકાવવામાં છે.
આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલ ના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી બે-ત્રણ યુવાનો થાંભલા પર ચઢવાનો પ્રયત્ન કરે છે. થાંભલા પર ચડનાર યુવાનોને પેલી યુવતીઓ સોટીઓ વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈ ને પણ કોઈ ચપળ યુવાન થાંભલા ઉપર ચડી જાય છે. અને ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી લઇ લે છે. તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારેબાજુ વેરે છે. પછી કોઈને ખ્યાલ ન આવે તે રીતે નીચે કુદી પડે છે.
આ પોટલીનો ગોળો લેવા માટે આદિવાસી યુવાનોને ગધેડા જેવો માર ખાવો પડે છે. આ બધી ધાંધલ -ધમાલમાં થાંભલાની ટોચ સાથે બાંધેલી ગોળની પોટલી ક્યાંક ગાયબ થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચડનાર યુવાન ગોળ વગર ગધેડો બનનાર પુરવાર થાય છે. કેટલાક જૂથોમાં યુવાન થાંભલા પર પોતાના જૂથનો ધજા ફરકાવે છે કેટલાક આદિવાસી વિસ્તારમાં ગોળના બદલે તેના પર ધ્વજ લગાવવામાં આવે છે.
જુના સમયમાં કોઈ યુવાન ગધેડા જેવો માર ખાઈને પણ જો ધ્વજ લાવે તો તે કન્યાઓના ટોળામાંથી મનપસંદ કન્યાને પરણી શકતો હતો. રમતમાં વિજય મેળવી આદિવાસી યુવાન મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે આથી આ મેળો પ્રાચીન સ્વયંવરના રૂપે પણ યોજાય છે . વિજય મેળવતા પહેલા યુવાનને યુવતીઓની લાકડીઓનો માર સહન કરવો પડતો હોય છે પણ ત્યારબાદ તેને ગોળ ખાવા અને ખવડાવવા પણ મળે છે એટલે આ મેળાને ‘ગોળ ગધેડાનો’ મેળો કહેવામાં આવે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –