ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળી શકે છે. ખેડબ્રહ્માના કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) બેથી ચાર દિવસમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. રાજીનામું આપ્યા બાદ ભાજપ (BJP) માં જોડાવવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસનો સાથ છોડે તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો મળી શકે તેમ છે.
અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા તેઓ નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરીથી આ ચર્ચાઓ તેજ થઇ છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં પણ અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા સત્રમાં તેઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર હોવાની ચર્ચા છે. આમ અશ્વિન કોટવાલ ગમે ત્યારે કોંગ્રેસનો સાથે છોડી શકે છે. જો કે તેમના કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટુ નુકસાન થઇ શકે છે.
અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મામાં ST અનામત બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તે ખેડબ્રહ્મા બેઠકથી સતત ત્રીજા વખત ચૂંટાયા છે. તેમણે 1996માં વિદ્યાર્થી પાંખ NSUIથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2001માં તેઓ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચુક્યા છે. તો 2004માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા પણ બન્યા હતા. 2018માં વિધાનસભા દંડક તરીકે નિયુક્ત થયા હતા.
દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ સિવાય મહેસાણામાંથી પણ અનેક કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાઇ ગયા છે. તો સુરેન્દ્રનગરમાંથી 200થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં સામેલ થયા છે.
આ પણ વાંચોઃ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આપશે રાજીનામું, કોંગ્રેસને પડી શકે છે ફટકો, બે-ચાર દિવસમાં રાજીનામું આપે તેવી શક્યતા
આ પણ વાંચોઃ Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી
Published On - 11:21 am, Mon, 25 April 22