વર્ષની છેલ્લી પૂનમ શરદ પૂનમની (Sharad poonam) ઉજવણી ઠેર ઠેર ભારે રંગારંગ રીતે કરવામાં આવી હતી અને ખેલૈયાઓએ ગરબા (Garba) રમવાનો આ છેલ્લો દિવસ પણ મનભરીને માણ્યો હતો. શરદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sampraday) મહત્વના તીર્થ સ્થાન ગણાતા વડતાલમાં (Vadtal) પણ શરદ પૂનમના ઉત્સવમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં સંતો ભક્તજનો તથા યુવકમંડળ અને બાળમંડળના બાળકો એ રાસની રમઝટ બોલાવી હતી. વડતાલ મંદિરના તૈયાર કરવામાં આવેલ શરદોત્સવ મંડપમાં આચાર્ય મહારાજ, વરિષ્ઠ સંતો તથા હરિભક્તોએ રાષ્ટ્રીગીતના ગાન સાથે રાસોત્સવની શરૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર મંડળ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી.
સુરત કલાકુંજ ગુણાતીત યુવક મંડળ દ્વારા શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ સહિત આજુબાજુના ગામોના હરિભક્તો, યુવકો, પાઠશાળાના વિદ્યાર્થી, સંતો-ભુદેવ બટુકો, વડતાલ બાળ મંડળના બાળકો રંગબેરંગી વસ્ત્રધારી યુવાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સત્સંગી બહેનોએ પણ અલગ અલગ રાસની ગરબાની રમઝટ બોલાવી હતી. રાસ ગરબાના અંતે ઉપસ્થિત હરિક્તોએ દુધ પૌંઆનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
ભગવાન સ્વામિનારાયણ તેમના સંત મંડળ સાથે જે રીતે રાસ રમતા હતા, તેની સ્મૃતિ સાથે વડતાલમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવ અંગે વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શરદ પૂનમની રાત્રે સંધ્યા આરતી બાદ ઠાકોરજીને પાલખીમાં પધરાવી મંદિરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા નીકળી હતી. મંદિરના પાછળ આવેલ અક્ષર ભુવન પાછળના ભાગે ઉભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા.
જ્યાં આચાર્ય મહારાજશ્રી તથા વરિષ્ઠ સંતોના હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા સંતોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે શાસ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ શરદોત્સવ મહિમા કથાનું રસપાન કરાવ્યું હતું. કથા બાદ શાસ્ત્રી નૌતમપ્રકાશ દાસજી તથા ચેરમેન દેવપ્રકાશ સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ત્યારબાદ સંતો હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. તેમજ ભગવાન અને સંત મંડળે રમેલા રાસની દિવ્ય સ્મૃતિ પણ કરી હતી.