Kheda: વડતાલ મંદિરના નૌતમ સ્વામીએ આનંદ સ્વામીના નિવેદનની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, જાણો શું કહ્યુ

આનંદ સાગર સ્વામીએ (Anand Sagar Swami) શિવ ભગવાનનું અપમાન થાય તેવુ નિવેદન આપતો એક વીડિયો વાયરલ થયો હતો. આ નિવેદનના કારણે ખૂબ જ વિવાદ સર્જાયો હતો.

Kheda: વડતાલ મંદિરના નૌતમ સ્વામીએ આનંદ સ્વામીના નિવેદનની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, જાણો શું કહ્યુ
વડતાલ મંદિરના નૌતમ સ્વામીએ આનંદ સ્વામીના નિવેદનની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
| Edited By: | Updated on: Sep 06, 2022 | 12:31 PM

આનંદસાગર સ્વામીના (Anandasagar Swami) શિવ ભગવાન અંગેના વિવાદિત નિવેદનના કેસમાં હવે વડતાલ સ્વામિનારાયણ મંદિરે (Vadtal Swaminarayan Temple) પણ ઝંપલાવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના અગ્રણી સંત અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ નૌતમ સ્વામીએ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આનંદસાગર સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવ્યાનો આરોપ મુક્યો છે. નૌતમ સ્વામીએ (Nautam Swami) હૂંકાર કર્યો છે કે આવા નિવેદનો હિંદુ સમાજ નહીં ચલાવી લે.

આનંદસાગર સ્વામીની મુશ્કેલી વધી

આનંદ સાગર સ્વામીએ શિવ ભગવાનનું અપમાન થાય તેવુ નિવેદન આપતો એક વીડિયો વાયરલ થયો હતો. આ નિવેદનના કારણે ખૂબ જ વિવાદ સર્જાયો હતો. સોમવારથી આ વીડિયો વાયરલ થયા બાદ આનંદસાગર સ્વામી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા હતા. તે દરમિયન પ્રબોધ સ્વામી જુથના અગ્રણી સંતો દ્વારા આનંદ સાગર સ્વામીને માફી માગવા માટે કહેવામાં આવ્યુ હતુ. જે પછી આજે વહેલી સવારે આનંદ સ્વામીનો માફી માગતો વીડિયો મીડિયામાં જાહેર કરવામાં આવ્યો છે. આનંદ સાગર સ્વામી પોતાની ભુલ થઇ હોવાનું કહી તેમાં માફી માગતા દેખાય છે.

આનંદસાગર સ્વામીએ માફી માગી

પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ (Anandsagar swami) ભગવાન શિવ (lord Shiva) પર આપેલા નિવેદનથી બહ્મસમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જો કે હવે પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ માફી માગી છે. ભારે વિવાદ અને રોષ બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલ સમજાઇ છે. ભગવાન શિવના અપમાન બાદ ભારે વિવાદ થતાં આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનું ભાન થયું અને માફી માગી લીધી છે.

આનંદસાગર સ્વામીએ કહ્યું કે મારી ભૂલ થઈ છે, તમામ શિવ ભક્તોની માફી માગુ છું. સાથે જ દાવો કર્યો કે, પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી હતી. શિબિર દરમિયાન મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. મહત્વનું છે કે દેવાધી દેવ મહાદેવનું અપમાન કરતો આનંદસાગર સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દાવો કરે છે કે ખુદ ભગવાન શિવ પ્રબોધસ્વામીના દર્શન માટે આવ્યાં હતા. મહાદેવ પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જ પરત ફર્યાનો તેમણે દાવો કર્યો હતો.

જો કે આનંદ સ્વામીએ માફી માગ્યા બાદ પણ હજુ ચોમેર રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં આનંદસાગર સ્વામીની વિવાદિત ટિપ્પણી મુદ્દે  રાજકોટના બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. રાજકોટના બ્રહ્મસમાજ દ્વારા સ્વામીનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે.