ખેડા જિલ્લામાં 5 યુવકોના શંકાસ્પદ મોત કેસમાં પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પાંચ લોકો પૈકી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે. અન્ય બે યુવકોના મોત અંગે તપાસ ચાલી રહી છે.આ અંગેની સ્પષ્ટતા ડીજીપી વિકાસ સહાયે કરી છે. સાથે જ ત્રણ લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.
ખેડાના નડિયાદમાં જે સિરપના કારણે મોત થયાની આશંકા છે, તે મેઘસવા સિરપનું ઉત્પાદન કરનારા 3 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈ ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે, બિલોદરા ગામનો કરિયાણાની દુકાન ચલાવતો કિશોર નામનો શખ્સ આયુર્વેદિક સિરપનું વેચાણ કરતો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ડીજીપીના જણાવ્યા પ્રમાણેપાંચમાંથી 3 લોકોનાં મોત આયુર્વેદિક સિરપ પીવાના કારણે થયા હોવાની આશંકા છે. આ ત્રણેય બિલોદરા ગામના હતા. જ્યારે મહેમદાવાદ અને બગડું ગામના જે બે લોકોનાં મોત થયા છે, તે લોકોએ સિરપ પીધી જ નહોતી.
ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે બિલોદરા ગામમાં સિરપ પીનારા 50થી 55 લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આઈ તમામની તબિયત હાલ સારી છે. આ અંગે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે, આયુર્વેદિક સિરપના ઉત્પાદનમાં કોઈ ગડબડ થઈ હોય અને તેમાં મિથેનોલ ભળી ગયું હોય તેવી શક્યતા છે.
પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે, ફૂડ એન્ડ ડ્રગ ઈન્સ્પેક્ટરને એવો પત્ર લખાયેલો છે કે 12 ટકાથી ઓછું આલ્કોહોલ હોય તેવી વસ્તુના ઉત્પાદન અને વેચાણ માટે કોઈ લાયસન્સ લેવાનું રહેતું નથી. ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમ મુજબ આ કેસમાં પ્રાથમિક દ્રષ્ટીએ કંઈ ખોટું થયું હોય તેમ નથી લાગતું તેવું પોલીસનું માનવું છે. છતાં પોલીસે જરૂર પડ્યે આવા દ્રવ્યોના વેચાણ માટેના નિયમો ઘડવાની અને રાજ્યમાં વેચાતી આવી સિરપ અંગે તપાસ કરવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો- ખેડાના નડિયાદમાં યુવકોના એક પછી એક થઇ રહ્યા છે રહસ્યમય મોત, કોયડો ઉકેલવામાં પોલીસ પણ અક્ષમ, જુઓ વીડિયો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરિયાણાની દુકાન ધરાવનાર શખ્સ 100 રૂપિયામાં સિરપની બોટલ નડિયાદના વેપારી પાસેથી ખરીદતો હતો અને 130 રૂપિયામાં વેચતો હતો. નડિયાદનો વેપારી આ સિરપ ક્યાંથી લાવતો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. ખેડા એસપીનો દાવો છે કે ચાર લોકોનાં મોત થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોલીસની જાણ બહાર 4 મૃતકોના પરિવારજનોએ અંતિમવિધિ પણ કરી નાખી હતી. જ્યારે પાંચમા વ્યક્તિનું મોત થયું ત્યારે પોલીસની સતર્કતાના કારણે અંતિમવિધિ થતા રહી ગઈ, તેના પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે. પોસ્ટમોર્ટમમાં મોતની સાચી હકીકત સામે આવશે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો